ફાયરના સ્ટાફે કુવામાં ઉતરી બળદ અને ગાડાને ક્રેનની મદદથી બહાર કાઢયા એક બળદનો બચાવ
અમરેલી જિલ્લાના ગઈકાલે વન્ય પ્રાણીઓએ માનવ વસ્તી ઉપર આંતક ફેલાવ્યો હોય તેમ ધારી તાલુકાના ગોવિંદપુર ગામે એક મહિલાને ફાડી ખાધાની ઘટનાં બાદ અમરેલીના પીઠવાજાળ ગામે દીપડાએ એક બાળકીઉપર હુમલો કરી દઈ ઈજા કરી હતી. ત્યાર બાદ ગઈકાલે જ ખાંભા તાલુકાના ઉમરીયા ગામના વાડી વિસ્તારમાં માનવ વસ્તીમાં આવેલ સિંહે બળદગાડાને જોઈ એક સિંહે ત્રાડ નાખતાં સિંહની ગર્જના સાંભળીને ગાડા સાથે બળદ ભડકીને ગાડા સમેત એક કુવામાં ખાબકતાં એક બળડનું મોત નિપજ્યું હતું.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરીયા ગામના વાડી વિસ્તારમાં વાસુરભાઈ કામલીયાની વાડીએ તેઓ ગાડુ લઈને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક સિંહની ગર્જના સાંભળીને ગાડા સાથે બળદ ભડકીને ગાડા સમેત એક કુવામાં ખાબકતાં આ અંગે ગઈકાલે રાત્રિના 11 કલાકે અમરેલી ડિઝાસ્ટર સેલ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવતા તે અંગેની જાણ થતા અમરેલી ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તુરંત ખાંભા તાલુકાના ઉમરીયા ઘટના સ્થળ પર પહોંચી હતી. અને રાત્રીના અંધારામાં લાઈટના અજવાળે પોતાની સૂઝબુજ તથા ક્રેનની મદદથી પોતાના જીવના જોખમે ઊંડા કૂવામાં અંદર ઉતરી અને બંને બળદ તથા ગાડુ બહાર કાઢયા હતા.
આ ઘટનામાં એક બળદ મૃત્યુ થયેલ છે. તથા એક બળદને સહી સલામત રેસ્ક્યુ કરી જીવતો બહાર કાઢેલ હતો. તથા ગામજનો દ્વારા ફાયર સ્ટાફની આ કામગીરીને બિરદાવવામાં આવેલ હતી. આ કામગીરીમાં ફાયર સ્ટાફના હિંમતભાઈ બાંભણિયા, ભુરીયા જગદીશભાઈ, ધવલભાઇ ચાવડા તથા અન્ય ત્રણ ફાયર ટ્રેઈની વગેરેએ જહેમત ઉઠાવી હતી
