ઓઘડનગરના 1પ0થી વધુ ઘરોમાં સર્વેલન્સ કરાયું
જુનાગઢ જોષીપરા વિસ્તારમાં આવેલ ઓઘડ નગરમાં પાણીની પાઇપલાઇનમાં ગટરના પાણી ઘુસી જતા દુષિત થયેલ પાણીના કારણે 45 થી વધુ લોકોને ઝાડા ઉલટી થઈ જતા આરોગ્યતંત્ર દ્વારા તાત્કાલિક પગલા હાથે ધરાયા હતા. આ સાથે રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઓઘડ નગરના અંદાજે 150 થી વધુ ઘરોમાં બે વખત સર્વેલન્સ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલા ઓધડ નગરમાં પાણીના પાઇપ લાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું, જેમાં ગટરના પાણી ભળી જતા પીવાના પાણી દૂષિત થયું હતું. જેને લઈને ઓધડ નગર વિસ્તારમાં એકા એક ઝાડા ઉલટીના કશો વધવા પામ્યા હતા. આ અંગેની જાણ થતા મનપાના વિરોધ પક્ષના નેતા ઓઘડ નગર ખાતે પહોંચ્યા હતા અને આરોગ્ય તંત્રને જાણ કરાતા આરોગ્યની ટીમ પણ ઓઘડ નગરમાં પહોંચી હતી. જે દરમિયાન અનેક લોકોને ઝાડા ઉલટીની અસર સાથે દવાખાનામાં દાખલ કરવાની સ્થિતી ઉત્પન્ન થઈ હતી.
આ અંગે ડો. હિરેનર રૂપારેલિયાના જણાવ્યા અનુસાર, ઝાડા ઉલટીની ફરિયાદ સાથે દવાખાનામાં 45 જેટલા કેસ નોંધાયા હતા. જેમાંથી 26 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે એક દર્દીને ડીહાઇડ્રેશનની અસર વધુ હોવાથી ટીંબાવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અને ત્યાં તેમને ફ્લોઇડસ ચડાવવામાં આવ્યા હતા. આ સાથે બે વૃદ્ધ દર્દીઓને વધુ અસર જણાતા તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એકંદરે મોટા ભાગના દર્દીઓની સ્થિતિ સંપૂર્ણપણે સ્વસ્થ છે. દરમિયાન ઓઘડનગરમાં એકાએક ઝાડા ઉલટીના કેસ વધતા રેપિડ રિસ્પોન્સ ટીમ ઓધડનગરમાં પહોંચી હતી. અને 150 થી વધુ ઘરોમાં બે વખત સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોને ઉકળતા પાણી પીવાની કડક સૂચના આપવાની સાથે ક્લોરિનની ગોળીનું પણ વિતરણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલ ઓગડ નગરમાં પાણીની પાઇપ લાઇનમાં ગટરના પાણી ભડતા સર્જાયેલ ગંભીર સ્થિતિને લઈને મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું. આ સાથે તાત્કાલિક ધોરણે પાણીની પાઇપ લાઇનમાં ભળેલ ગટરના પાણી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવું પણ મનપા અધિકારીઓને જણાવ્યું હતું. આ અંગેની જાણ થતા વોર્ડ નં. 6 ના કોર્પોરેટર જ્યોતિબેન કેશવાલા એ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી, અને મનપા તથા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. તે સાથે આ વિસ્તારના સામાજિક કાર્યકર અનિલભાઈ કેસવાલાએ આક્ષેપ કર્યો હતો કે, ગટરના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આવી ઘટનાઓ અવાર નવાર બને છે. ત્યારે લોકોના જીવ સાથે ચેડાં કરવાનું બંધ કરી, યોગ્ય સર્વેક્ષણ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
