પંચાયતોમાં તલાટીઓ હાજર રહેતા નથી: કલેકટરને લખેલા પત્રમાં આક્ષેપો
કોંગ્રેસે ભાજપ પ્રમુખ સામે નિશાન સાઘ્યું ! ખુદ ભાજપમાં જ જિલ્લા પ્રમુખના પત્રની ચર્ચા
જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એ કલેકટરને એક પત્ર લખ્યો છે, આ બાબત જિલ્લામાં અને ખાસ કરીને જુનાગઢ મહાનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા એ પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે, જિલ્લાના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ અને દવાઓ નથી તથા ગ્રામ પંચાયતમાં તલાટીઓ, મહેસુલ તલાટીઓ પુરતો સમય હાજર રહેતા નથી. આ આક્ષેપ સામે કોંગ્રેસ પણ મેદાને પડ્યું છે, અને જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા એ જિલ્લા કલેકટર સહિતનાને એક પત્ર લખ્યો છે. જેમાં એવું જણાવાયું છે કે, ગ્રામ પંચાયતોમાં તલાટીઓ, મહેસૂલી તલાટીઓ પુરતો સમય હાજર રહેતા નથી, આ સાથે દવાખાનાઓમાં તબિબો હાજર રહેતા નથી, પૂરતો સ્ટાફ નથી અને દવાનો પૂરતો સ્ટોક નથી, જેથી તાત્કાલિક પગલા લઈને સેવા પ્રજા સુધી પહોંચે તેવું જણાવ્યું છે.
ચંદુ મકવાણાના આ પત્રને લઈને ખુદ ભાજપમાં જ એવી ચર્ચા ચાલી રહી છે કે, જિલ્લા પ્રમુખને દુખે છે પેટમાં અને માથું ફૂટે છે, જ્યારે સરકાર ભાજપની હોય, જિલ્લા પંચાયતો ઉપર છતાં પણ ભાજપની હોય, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પક્ષ લેવલે અને સરકારે લેવલે પત્ર લખી યોગ્ય કરાવી શકે છે. પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રમુખ એક કાંકરે બે પક્ષી મારવા જતા હોય તેવું લાગી રહ્યું છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના આ પત્રની સામે જિલ્લા કોંગ્રેસ પણ સામા આક્ષેપો લઇ ખડું થયું છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચંદુ મકવાણાના આ પત્ર સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે, તમો અધિકારીઓ પાસે તમારા તાયફાઓ માટે કામ લો છો, કયાંક તમારો અહમ સંતોષાતો નથી, એમ જણાવી, ચંદુ મકવાણા સામે એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે, તમારા આગેવાનો, કાર્યકરોની કંપનીઓ ચાલે છે, તેના બિલ પાસ નથી થતા એટલે આક્ષેપો કરો છો.
આમ, જિલ્લા ભાજપ પ્રમુખે રાજ્યમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં જ્યારે ભાજપની સરકાર છે, ધારાસભ્યો અને સાંસદ સભ્ય ભાજપના છે, અને સરકાર દ્વારા સબ સલામતના દાવાઓ થઈ રહ્યા છે. ત્યારે જ કલેકટરને પત્ર લખી ગ્રામ પંચાયતમાં તલાટી અને મહેસુલ તલાટી હાજર રહેતા નથી તે સાથે આરોગ્ય કેન્દ્રમાં તબીબો હાજર રહેતા નથી અને પુરા દવાના સ્ટોક નથી તેવું ઓન પેપર જણાવતા, ખરેખર તથ્ય શું છે ? સરકાર સાચી કે જિલ્લા પ્રમુખ સાચા ? તે બાબતની ચર્ચા ખુદ ભાજપમાં ચાલી રહી છે. જો કે, ભાજપના એક જૂથ દ્વારા જિલ્લા પ્રમુખે લખેલા આ પત્રને ચર્ચાને ચકડોળે પહોંચાડ્યો છે. અને જિલ્લા પ્રમુખ એ લખેલા આ પત્ર પાછળ કાંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
