પોરબંદરની એમ.ડી.સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન:પ્રાચીન ભારતનું વનસ્પતિ વિજ્ઞાન આજના સંશોધકોને પણ આપી રહ્યું છે ટક્કર
પાટણ ખાતે યોજવામાં આવેલા રાષ્ટ્રીયકક્ષાના સેમીનાર વર્કશોપમાં પોરબંદરના એમ.ડી.સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શેઠ એમ. એન. સાયન્સ કોલેજ, પાટણ ખાતે આયોજિત ભારતીય જ્ઞાન પરંપરા વિષયની રાષ્ટ્રીય કક્ષાની સંશોધન વર્કશોપમાં ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજાનું વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું.એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો.ભૂપેન્દ્રસિંહ જાડેજાએ “વૃક્ષ આયુર્વેદ: વનસ્પતિ સ્વાસ્થ્ય સંભાળનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન” વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ દ્વારા વિકસિત વનસ્પતિ સારવારની વૈજ્ઞાનિક પદ્ધતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષ આયુર્વેદ માત્ર લોકવાયકા નથી, પરંતુ તે એક સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક માળખું ધરાવે છે, જે છોડને ’ઉત્પાદન’ના બદલે ’દર્દી’ તરીકે જોવા પ્રેરે છે.આ સંશોધન વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંશોધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વ્યાખ્યાન દરમિયાન ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજાએ વૃક્ષ આયુર્વેદના પાંચ મુખ્ય આધારસ્તંભો જમીન, પાણી, ઋતુઓ, પોષણ અને સંભાળ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે પ્રાચીન સમયમાં વૈજ્ઞાનિક અવલોકન પદ્ધતિઓ દ્વારા પર્ણોના રંગ, પુષ્પોની રચના અને વૃદ્ધિ પ્રક્રિયાના આધારે છોડના રોગોનું નિદાન કેવી રીતે કરવામાં આવતું હતું, તે સમજાવ્યું હતું.ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજાએ આધુનિક વિજ્ઞાન સાથે પ્રાચીન જ્ઞાનની તુલના કરતાં જણાવ્યું હતું કે લીંબડો, હળદર, લાકડાની રાખ અને પંચગવ્ય જેવા પદાર્થોનો ઉપયોગ છોડના રોગોની સારવાર અને જમીનના સ્વાસ્થ્ય માટે અત્યંત અસરકારક છે. તેમણે આધુનિક સંશોધનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પંચગવ્યથી પાકની ઉપજમાં 22% સુધીનો વધારો થઈ શકે છે અને લીંબડાનો ઉપયોગ વૈશ્વિક સ્તરે સ્વીકૃત જૈવિક જંતુનાશક તરીકે થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વૃક્ષોને પવિત્ર માનવાની પાછળ પણ ઊંડું વૈજ્ઞાનિક કારણ છે. પીપળો, વડ અને તુલસી જેવા વૃક્ષોનું સંરક્ષણ ધાર્મિક માન્યતાઓ દ્વારા થતું હતું, જે આજના સમયમાં જૈવવિવિધતા સંરક્ષણ માટે પ્રેરણારૂપ છે.
