નારી શક્તિનું સ્વરૂપ છે તે સ્નેહ અને ધૈર્યથી યુક્ત છે. તે ઘરમાં લક્ષ્મી સ્વરૂપે બિરાજે છે અને સંસ્કૃત નારી વંદનીય છે નારીએ શક્તિ અને સંઘર્ષની પ્રતિમા છે નારી શક્તિથી જ પરિવારોમાં શાંતિ અને પ્રેમ ફેલાય છે. પહેલાના સમયમાં નારીઓને સ્વતંત્રતા મળતી ન હતી અને સમાજમાં પણ બહુ માન કે મોભો નહીં મળતો હોવાનું આપણે સૌ કોઈએ નરી આંખે જોયું છે જેમ-જેમ નારીઓને સ્વતંત્રતા મળતી ગઈ તેમ તેમ તે પુરુષ સમોવડી બની આજે નારી ઘરની જવાબદારી સાથે ઉદ્યોગો, નોકરીની જવાબદારી સુપેરે ઉપાડી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જયહિન્દ દૈનિક દ્વારા સમાજ કર્તવ્યની ભાવના પ્રતિપાદિત કરી હતી અને વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર તેમજ સમાજ સુરક્ષા કરનાર 17 નારી શક્તિનું સન્માન કરી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સૌરાષ્ટ્રના અગ્રગણ્ય જયહિન્દ દૈનિક દ્વારા નારી રત્નોનું સન્માન કરવા માટે જામનગરમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયહિન્દ દૈનિક દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર, સમાજની સેવા કરનારી 17 નારી રત્નોનું એવોર્ડ આપી બહુમુલ્ય સન્માન કર્યુ હતું.
તસ્વીરમાં જોઈ શકાય છે કે, જય હિન્દ દૈનિકના માલિક તેમજ તંત્રી શ્રી ભરતભાઈ નરોત્તમદાસ શાહ અને જય હિન્દ પરિવારના યુવા આઈકોન શ્રી મિહિરભાઈ ભરતભાઈ શાહ દ્વારા જામનગર કલેક્ટર શ્રી કેતનભાઈ ઠક્કરનું બહુમુલ્ય સન્માન કર્યુ હતું. આ ઉપરાંત જય હિન્દ પરિવારના યુવા એકઝીકયુટીવ શ્રી સલોનીબેન ભરતભાઈ શાહએ એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી બિનાબેન કોઠારીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી સન્માન કર્યુ હતું. તેમજ જયહિન્દ પરિવારમાં નવી પેઢીના આઈકોન અને રોલ મોડલ તથા નાની ઉંમરે મોટી સફળતા મેળવનાર શ્રી અનાયા મિહિરભાઈ શાહએ જામનગર-દ્વારકાના સાંસદ શ્રી પૂનમબેન માડમનું સ્વાગત કર્યુ હતું. જય હિન્દ દ્વારા યોજાયેલા નારી રત્ન સન્માન સમારોહમાં નારી રત્નોએ સમાજને કેવી રીતે આગળ લઈ જવો તેમજ સમાજને નવી રાહ ચીંધતા અનેક દ્રષ્ટાંતો પુરા પાડ્યા હતાં. નારી રત્નોએ એક મંચ પર આવીને જય હિન્દ પરિવારના મોભી, માલિક અને તંત્રી એવા શ્રી ભરતભાઈ શાહ, શ્રી સલોનીબેન શાહ, શ્રી અનાયા શાહનું વિશિષ્ટ બહુમાન કર્યુ હતું.
