ઉમેદવારો લેખીતમાં સુરક્ષાની ખાતરી આપે તો જ મતગણતરી
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ભારે વિવાદ થઈ ગયો છે. આજે શરૂ થનાર મતગણતરી સ્થગિત કરી દેવાઈ છે. જીવતા સળગાવી દેવાની ધમકી મળતા ચૂંટણી અધિકારીઓએ રાજીનામાંની ચીમકી આપી છે. એટલું જ નહીં પરંતુ સ્પેશિયલ કમિટી અને રાજીનામું ધરી દેવાયું છે. ઉમેદવારો લેખિતમાં સુરક્ષાની ખાતરી આપે તો જ મતગણતરીમાં જોડાશે તેવી માંગ કરાઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, તારીખ 6 માર્ચના રોજ રાજ્યના 150 થી વધુ મતદાન મથકો ઉપર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મતદાન થયું હતું આ ચૂંટણીમાં 20 મહિલા ઉમેદવારો સહિત કુલ 99 ઉમેદવારો છે. તમામ મતદાન મથકો ખાતેથી મત પેટીઓ અમદાવાદ મુખ્ય સેન્ટરે પહોંચી ગઈ છે. આજે તારીખ 9 માર્ચ ના રોજ સવારથી મતગણતરી શરૂ થવાની હતી પરંતુ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સેક્રેટરી એડવોકેટ સિદ્ધિ ભાવસાર દ્વારા જાહેર કરાયું છે કે હાલના તબક્કે મતગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી અને મત ગણતરી સ્થગિત કરવામાં આવી છે.
શાંતિપૂર્ણ 6 માર્ચની સાંજે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે જે પ્રકારનું દૃશ્ય સર્જાયું હતું તેનાથી સમગ્ર વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. ઉમેદવારો અને તેમના સમર્થકોએ ચૂંટણી સામગ્રી ભરેલી ટ્રકને આગ ચાંપવાની ધમકી આપી હતી. મુખ્ય રિટર્નિંગ ઓફિસર હસમુખ એમ. પરીખે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને એડવોકેટ જનરલને કડક શબ્દોમાં પત્ર લખી પોતાની સુરક્ષા અને ચૂંટણીની પવિત્રતા અંગે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. જ્યારે તમામ મતપેટીઓ અને અન્ય ચૂંટણી સામગ્રી ટ્રાન્સપોર્ટ ટ્રકમાં લોડ કરવામાં આવી રહી હતી,
ત્યારે અમુક ઉમેદવારો અને તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. ટોળાંમાં આવેલા લોકોએ ટ્રકમાં બેઠેલ સ્ટાફને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. સેક્રેટરીને તાત્કાલિક પોલીસ કાફલો બોલાવવો પડયો હતો. તપાસ પેટીમાં તમામ સીલ અકબંધ જણાયા હતા. આ તરફ ચૂંટણી અધિકારીઓએ પત્રમાં આક્રોશ વ્યક્ત કર્યો કે, મત ગણતરીની પદ્ધતિને લઈને સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. નિયમ 24 મુજબ જ ગાણિતિક પદ્ધતિથી ગણતરી થશે. વ્યક્તિગત મતપેટીઓ કે ન વપરાયેલા મતપત્રોની ગણતરીની કોઈ કાનૂની જોગવાઈ નથી. ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાના હેતુથી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. રિટર્નિંગ ઓફિસર હસમુખ પરીખ, સંયુક્ત રિટર્નિંગ ઓફિસર રશ્મિન જાની અને મિલન પટેલે સુરક્ષાના અભાવે તમામ અધિકારીઓ સામૂહિક રાજીનામું આપવાની પણ તૈયારી દર્શાવી છે. ગઈકાલે કહ્યું હતું કે, જો ઉમેદવારો શાંતિ અને સુરક્ષા જાળવવાની લેખિત ખાતરી નહીં આપે તો 9 માર્ચે મત ગણતરી મૂકવું રાખવામાં આવશે. ત્યારે હાલના તબક્કે કોઈ ખાતરી ન મળતા મતગણતરી મુકુંફ રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
