ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા ખેતીવાડી તંત્રનો અનુરોધ
જુનાગઢ મહાનગર સહિત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી ભેજવાળા પવન આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે સવારે ઝાકળ વર્ષા થતા મહત્તમ તાપમાન પર અસર થઈ છે, અને ગરમીના દિવસોમાં પણ એકંદરે ઠંડક રહેતા લોકોએ રાહત અનુભવી રહ્યા છે.
દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં સાયકલોનીક સર્ક્યુલેશન હોવાથી તથા સમુદ્રથી ભેજવાળા પવન આવતા આગામી તા. 19 અને 20 તથા 28, 29, 30 એમ બે સમયગાળા દરમિયાન જુનાગઢ જિલ્લા સહિત ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી વરસાદ થવાની પણ સંભાવના છે.
જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર પર ફરી કુદરતી આફત તોળાઈ રહી હોવાથી ખેડૂતોના પાક બગડવાની ભીતિથી સેવાઈ રહી છે. તથા ગત તા 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી વચ્ચે ઘઉંનું પાછુંતરું વાવેતર કર્યું છે, તે ઘઉંનો પાક હજુ ખેતરમાં ઉભો છે ત્યારે આ ઘઉંના પાકને નુકસાન થવાનું કૃષિ તજજ્ઞ જણાવી રહ્યા છે. આ સાથે કમોસમી વરસાદના કારણે કેરીના પાકને પણ નુકસાન થવાની વિધિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી કેરી પર ડાઘ પડી શકે છે, તથા માવઠાથી ફૂગજન્ય રોગો પણ આવવાની ભીતિ છે. આ સાથે જો પવન ફુકાશે તો ફળ ખરી પડવાની પણ સંભાવના ખેડૂતો દ્વારા દર્શાવાય રહી છે.
દરમિયાન માવઠાની આગાહીના પગલે કૃષિ એડવાઈઝરી પણ કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તે મુજબ શિયાળો પાક જો પરિપક્વ થઈ ગયો હોય અને કાપણી કરી લીધી હોય તો તેને તાત્કાલિક એ યોગ્ય અને સુરક્ષિત જગ્યાએ ગોડાઉનમાં સંગ્રહ કરવા, તથા જો પાક ખુલ્લામાં પડ્યો હોય તો તેને વ્યવસ્થિત રીતે તાલપત્રીથી ઢાંકી દેવા ખેડૂતોને સૂચન આપવામાં આવ્યું છે. સાથે ભેજનું પ્રમાણ ન ઘટે ત્યાં સુધી પાકને વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ લઈ જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.
માર્કેટિંગ યાર્ડ દ્વારા કમોસમી વરસાદના પગલે પરિપત્ર જાહેર કરાયો
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા કમોસમી વરસાદના પગલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, બજાર સમિતિની મોબાઇલ, એપ્લિકેશન, વેબસાઈટ તેમજ વોટ્સએપના માધ્યમ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકને લઈને પૂરતી માહિતી આપવામાં આવશે. તે મુજબ જ દરેક કમિશન એજન્ટે આવકની માહિતી ખેડૂત ભાઈઓને આપવાની રહેશે. અને ખેડૂત ભાઈઓ જે જણસી લઈને યાર્ડમાં આવે તે વખતે તાલપત્રી કે પ્લાસ્ટિક વ્યવસ્થિત ઢાંકીને સુરક્ષિત રીતે લઈને આવવાનું રહેશે. આ સાથે તમામ વેપારીઓએ જણસી ખુલ્લામાં રાખેલ છે, તેને સલામત સ્થળે ખસેડી લેવા જણાવ્યું છે. અને તમામ જણસીની આવક જ્યાં સુધી શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ માલની ઉત્તરાય શેડમાં થવા દેવામાં આવશે તથા તમામ વાહનની હરરાજી ઊભા વાહનમાં લેવામાં આવશે અને ખુલી જગ્યા ઉપર કોઈ પણ જણસીની ઉત્તરાય થવા દેવામાં આવશે નહીં. તેમાં પરિપત્ર મારફત સૂચના જાહેર કરવામાં આવ્યું છે.
