વંથલી પંથકમાં કમોસમી વરસાદથી ચીકુના પાકને વ્યાપક નુકશાન

સૌરાષ્ટ્રમાં વંથલી તાલુકો ફ્રૂટ માટે હબ કહેવાય છે હાલ ચીકુની સીઝન ચાલી રહી છે ત્યારે વંથલી પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદ અને ભારે પવન ત્રાટકતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચીકુના પાકને ભારે અસર થતાં ખેડૂતો અને ઇજારેદારો મુશ્કેલીમાં મુકાયા છે.વંથલી પંથકમાં અચાનક બદલાયેલા વાતાવરણને કારણે ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો. આ વરસાદે ખાસ કરીને ચીકુના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઝાડ પરથી ઢગલાબધ ચીકુ નીચે પડી જતા ખેડૂતોને આર્થિક ઝાટકો લાગ્યો છે.ચીકુના બગીચાઓમાં કમોસમી વરસાદ અને પવનના ઝાપટાથી પાકની ગુણવત્તા પર પણ અસર પડી છે. ઘણા ખેડૂતો અને ઇજારેદારોનું કહેવું છે કે આ સમયે થયેલા વરસાદને કારણે તૈયાર પાક બરબાદ થયો છે, ચેટીચંદ અને રમજાન ઈદ ને કારણે 2 થી 3 દિવસ માર્કેટિંગ યાર્ડના હરાજી બંધ રહેતા મળી રહેલા ભાવોમાં પણ ધરખમ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે.ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ