રાજકોટ મનપા અને પીજીવીસીએલની ટીમે રાત આખી કવાયત કરી, જો કે હજુ પણ અનેક સ્થળે નમી પડેલા વૃક્ષો કાપવા મનપાએ બીજા દિવસે પણ જારી રાખી કામગીરી
રાજકોટ શહેરમાં ગઇકાલે ત્રાટકેલા તોફાની માવઠાએ બાવનથી મોટા વૃક્ષોનો સોંથ વાળી દીધો હતો. એટલુ જ નહીં વિજતંત્રને પારાવાર નુકશાની સર્જી હતી. ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવા ઉપરાંત ટ્રીપ થયેલી વીજલાઇન રિપેર કરવા માટે મનપા અને વીજ તંત્રએ આખી રાત સુધી કવાયત કરી હતી. જો કે આજે બીજા દિવસે પણ અનેક જગ્યાએ તૂટેલા વૃક્ષોની ડાળી રસ્તા પર વેરવિખેર હતી. તેને ઉપાડવા ઉપરાંત નમી ગયેલા વૃક્ષો દૂઘર્ટના ન સર્જે એ માટે તેને કાપવા માટે ગાર્ડન શાખા કામે લાગી હતી. ઉપરાંત મોડી રાત સુધી રીપેરીંગ કામ માટે દોડવું પડ્યું હતું. ગઇકાલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઇ હતી. 1000થી વધુ ફરિયાદો નોંધાઇ હતી. તોફાની પવન સાથે વરસેલા માવઠાના કારણે શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ઝાડ અને ડાળીઓ ઉખડીને વીજ વાયરો પર પડી હતી પરિણામે વિજપુરવઠો ઠપ્પ થયો હતો આ સિવાય અન્ય ફોલ્ટ પણ સર્જાયા હતા. ટ્રીપીંગના બનાવો પણ બન્યા હતા પરિણામે શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડો કે લાંબો વખત સુધી વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને લોકોને હાલાકીમાં મુકાવવાનો વખત આવ્યો હતો. વિજ તંત્રના સુત્રોએ તેમ કહ્યું કે તોફાની માવઠાથી શહેરમાં બાવન ફીડરો ડુલ થયા હતા પરિણામે તે ફિડરોમાંથી સપ્લાય મેળવતા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી આ ઉપરાંત 30 થાંભલા ડેમેજ થયા હતા અને તેના વાયરો તુટી પડતા જે તે વિસ્તારો વિજળી વિહોળા બન્યા હતા. શહેરના રૈયા રોડથી માંડીને કાલાવડ રોડ અને સામાકાંઠાથી માંડીને જામનગર રોડ અને ગોંડલ ચોકડી સુધીના વિસ્તારોમાં સંખ્યાબંધ સ્થળોએ વિજ સમસ્યા ઉભી થઇ હતી. સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે 1000થી વધુ ફરિયાદો મળી હતી તેમાંથી 800 જેટલી ફરિયાદોનો રાત્રે જ નિકાલ કરી લેવામાં આવ્યો હતો અને બાકીની ફરિયાદો આજે સવારે ઉકેલી નાખવામાં આવી હતી. તેમણે એવી ચોખવટ કરી હતી કે ફીડર ડુલ થવા કે થાંભલા-વાયર તુટવાના કારણે વિજળી ગુલ થઇ હોય તેવા વિસ્તારોમાં અન્ય સ્ત્રોતમાંથી વિજળી આપી દેવામાં આવી હતી અને હવે જ્યાં જ્યાં નુકશાન છે ત્યાં રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના 2398 ગામોમાં વીજપુરવઠો થયો હતો ઠપ્પ
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે તોફાની પવન સાથે વરસેલા વરસાદ અને મિની વાવાઝોડાએ વ્યાપક નુકસાન સર્જ્યું હતું. આ કુદરતી આફતના પગલે કુલ 2645 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પીજીવીસીએલની ટીમોએ તાત્કાલિક મેદાનમાં ઉતરી મોડી રાત સુધી કામગીરી હાથ ધરી હતી અને યુદ્ધના ધોરણે પ્રયાસો કરી 2398 ગામોમાં વીજ પુરવઠો પુન: શરૂ કરવામાં સફળતા મેળવી હતી. હાલ બાકી રહેલા 247 ગામોમાં વીજળી પુન: સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં 279 ફીડર બંધ થઈ ગયા હતા અને 106 વીજ થાંભલા તથા ટ્રાન્સફોર્મરોને નુકસાન થયું હતું. જેના કારણે લગભગ 30 ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ રહ્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યા કેટલા ફીડર બંધ
મોરબીમાં 283
પોરબંદરમાં 125
જુનાગઢમાં 125
અંજારમાં 156
જામનગરમાં 332
ભુજમાં 234
ભાવનગરમાં 156
બોટાદમાં 233
અમરેલીમાં 375
સુરેન્દ્રનગરમાં 134
કુલ મળી 2307 ફીડરમાં ખામી સર્જાઇ હતી
