નાગરિક બેન્કની મેટોડા શાખાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

બેન્કે છેવાડાના માનવીની પ્રગતિની ખેવના કરી છે: ચેરમેન પાઠક

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની મેટોડા શાખાનો ઉદઘાટન સમારોહ મેટોડા ખાતે યોજાયેલ હતો અને તેમાં ભક્તિસ્વામી, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. ભક્તિસ્વામીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, આ બેંકમાં આવનાર દરેક માણસ દુ:ખ ભૂલી સુખી થાય તેવા આશિષ. નાના માણસને સંકટ સમયે જરૂરી મદદ મળે તે સેવા અને આશીર્વાદથી ઓછા નથી. બેંકે સાત દાયકાથી આ કાર્ય ખરા અર્થમાં નિભાવ્યું છે. અત્યારે આખું વિશ્ર્વ અસુરક્ષિત છે ફક્ત ભારતમાં જ સુરક્ષા છે. આપણા દેશના સાચા હીરો સરહદના સૈનિકો અને સ્વયંસેવકો છે. બંને હંમેશા કોઈ આપતિના સમયે સાચી અને નિસ્વાર્થ મદદ કરે છે. માતૃદેવો ભવ:, પિતૃદેવો ભવ:, ગુરુદેવો ભવ:ની જેમ આપણે સહુ પરિવારદેવો ભવ: અપનાવીએ. પરિવારને મહત્તમ સમય અને ઉચ્ચત્તમ સંસ્કાર આપીએ.
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, બેંકની ટેગલાઇન છે નાના માણસની મોટી બેંક. છેલ્લા 73 વર્ષથી બેંક આ સૂત્રને ચરિતાર્થ કરતી રહી છે. સમાજના છેવાડા માનવીની પ્રગતિ ખેવના કરી છે. આ અવસરે ભક્તિસ્વામી (હિન્દુ રાષ્ટ્ર હિતરક્ષક સનાતન આશ્રમ, ખિરસરા, મેટોડા),નરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ-જીઆઈડીસી (લોધિકા) ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન), પ્રફુલભાઈ ધામી (ગૌતમ ટેકનોકાસ્ટ), વિક્રમસિંહ રાણા (જ્યોતિ સીએનસી), મહેન્દ્રભાઇ ડાભી (સરપંચ-વડ વાજડી ગ્રામ પંચાયત) ઉપસ્થિત રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ