ભૂજની કોલેજ બહાર છાત્રાની કરપીણ હત્યા કરનાર બે આરોપીને આજીવન કેદ

સાક્ષી ભાનુ શાલીને 8 મહિને ન્યાય મળ્યો : છાત્રાની હત્યાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા

કચ્છ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારા સાક્ષી ભાનુશાલી મર્ડર કેસમાં ગુરુવારે ન્યાયતંત્ર દ્વારા મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે. 8 મહિનામાં જ આ કેસમાં બંને આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. બન્નેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગત ઓગસ્ટ મહિનામાઁ ભુજની સંસ્કાર કોલેજમા બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ગાંધીધામની સાક્ષી જેઠાલાલ ખાનીયા નામની નિર્દોષ યુવતીની કોલેજ બહાર કરપીણ હત્યા કરવામાં આવી હતી, ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સરકારે આ બાબતની ગંભીર નોંધ લઈ પોલીસને કડક પગલાં લેવા અને સમાજમાં ધાક બેસાડતી કાર્યવાહી માટે સૂચના આપી હતી. પોલીસ તંત્રએ પણ આ મામલે સક્રિયતા દાખવીને ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી, જેના ભાગરૂપે આજે અદાલતે બંને નરાધમોને દોષિત ઠેરવ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ એચ. બી. જાડેજાએ અત્યંત તર્કબદ્ધ અને ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે રજૂ કરેલા સાક્ષીઓની જુબાની અને ઘટનાસ્થળના પુરાવાઓએ આરોપીઓ વિરુદ્ધ ગુનાની સાંકળ મજબૂતીથી જોડી આપી હતી. ફરિયાદી પક્ષના વકીલો અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાને રાખીને અદાલતે સ્વીકાર્યું છે કે આ જઘન્ય અપરાધમાં આરોપીઓની સંડોવણી સ્પષ્ટપણે સાબિત થાય છે. અદાલતે બંને આરોપી ગાંધીધામના મોહિત મૂળજીભાઈ સિદ્ધપુરા અને જયેશ ઠાકોરને ગુનેગાર સાબિત કર્યા છે, જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, અદાલત દ્વારા બન્ને પક્ષોની દલીલો સાંભળીને આ કેસમાં બન્ને આરોપી દોષીત જાહેર કરી સમાજમાં ધાક બેસાડવા માટે આજીવન કારાવાસ સજા ફટકારી છે. બન્ને આરોપી 25 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત સાક્ષીના વાલીઓને પાંચ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ચૂકાદો સમાજમાં દાખલો બેસાડે છે કે આવી ક્રૂરતા આચરનારા તત્વોને કાયદો ક્યારેય છોડતો નથી.આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ ખેતશી પી. ગઢવી સહિત એડવોકેટ ટીમના સભ્યો સહયોગી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના પછી ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ભુજમાં રેલી નીકળી હતી. તેમજ યુનિવર્સિટીએ તમામ કોલેજોમાં કેમેરા અને સિક્યુરિટી બાબતે ખાસ ભાર મૂક્યો હતો. આ ગંભીર ઘટનામાં આઠ જ મહિનામાં ઝડપી ચૂકાદો આપવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ