પહેલા મતદાન, પછી લગ્ન: વરરાજા-દુલ્હનોએ લોકશાહીની ફરજ નિભાવી

સુત્રાપાડા, જૂનાગઢ, ધોરાજી, તાલાલા ગીર, જામનગર, વિરપુરમાં લગ્નના સપ્તપદીના ફેરા ફરે તે પહેલા વર-ક્ધયાઓએ મતદાન કર્યુ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન કરવામાં આવ્યું હતું. લોકોએ લોકશાહીની ફરજ નિભાવી હતી. ચૂંટણીની સાથે લગ્નપ્રસંગની સિઝન પણ ચાલી રહી છે. ત્યારે પોતાના પવિત્ર મતની કિંમત સમજી મોટાભાગના જિલ્લામાં લગ્નના બંધનમાં બંધાય તે અગાઉ વરરાજા અને દુલ્હનોએ મતદાન કર્યુ હતું.
સુત્રાપાડા
સુત્રાપાડા તાલુકાના પ્રશ્ર્નાવાડા ગામ ખાતે લગ્નની વિધિઓ વચ્ચેથી સમય કાઢીને વરરાજા સુરેશભાઈ પરમારે નૈતિક ફરજ સમજી મત આપવાના અધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના આ પર્વમાં મતદાન કર્યું હતું. લોઢવા ગામે રહેતા રાહુલભાઈ વાળા એ મતદાન ને પ્રાથમિકતા આપતા રાહુલ ભાઈ ના પોતાના જ લગ્ન હોવા છતાં ફરજ પ્રત્યેની અનોખી લાગણીનું પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યું છે. અહીં વરરાજા એ પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. રાહુલ વાળા પોતાના લગ્નના સાજ-શણગાર સાથે જ મતદાન મથક પર પહોંચ્યા હતા. ગામની પ્રાથમિક શાળામાં આવેલ બૂથ નંબર 2 ખાતે તેમણે મતદાન કરી પોતાની નાગરિક ફરજ નિભાવી હતી.
જૂનાગઢ
જૂનાગઢ તાલુકાના માખિયાળા ગામના રહેવાસી ડેનીશા ગજેરાના આજે લગ્ન હતા. જીવનના આ મહત્વના પડાવ પર પણ તેઓ પોતાની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી ભૂલ્યા નહોતા. અને સાત શણગાર સજી, લગ્નના પરિધાનમાં સજ્જ થઈને ડેનીશાબેન સીધા મતદાન મથકે પહોંચ્યા અને ગૌરવપૂર્વક મતદાન કર્યું હતું.
જામનગર
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વીરપુર
વીરપુરના યુવાન સંદીપ ચાવડાએ આજે પોતાના જીવનના નવા સોપાન સર કરવા જતાં પહેલાં દેશ અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારીને પ્રાધાન્ય આપ્યું હતું. વરરાજા સંદીપ ચાવડાએ સૂટબુટમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ યુવાને લગ્ન માટે નીકળતા પહેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી. આ નવતર અભિગમને જોઈને ત્યાં હાજર રહેલા અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રભાસપાટણ
વેરાવળ તાલુકાનાં કાજલી ગામે વરરાજા તુષારભાઈ ભગવાન ભાઈ ઝાલા એ પ્રથમ મતદાન કરી અને પછી જાન જોડવામાં આવેલ આ તકે વરરાજા એ જણાવ્યું કે લોકશાહી ના પર્વ મા મત નાખવો ખુબજ જરૂરી છે તેથી મત નાખી અને જાન જાડવામા આવેલ.
તાલાલા ગીર
તાલાલા તાલુકામાં ભારે તાપમાન સાથે જીલ્લા અને તાલુકા પંચાયત નું મતદાન થયું હતું.આ દરમ્યાન રમળેચી ગીર ગામના ધારાબેન પ્રવિણભાઈ કણસાગરા ની જાન વિસાવદર તાલુકાનાં લીલીયા ગામેથી આવી હતી…એમ.એ સુધી અભ્યાસ કરી સુરત ખાતે જોબ કરતા રમળેચી ગીર ગામના ધારાબેન લગ્ન મંડપમાં સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડનાર ધારાબેન ની જાન ને પરિવારજનોએ ભવ્ય વિદાય આપતા જાન લીલીયા જવા રવાના થઈ હતી… પરંતુ ધારાબેન ને મતદાન કરવું બાકી હોય ધારાબેન ગામના મતદાન મથક પાસે જાન ને રોકાવી હતી. દુલ્હનના જોડા સાથે ધારાબેન મતદાન કેન્દ્રમાં જઈ મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી લોકશાહી પર્વમાં સહભાગી થયા હતા.
ધોરાજી
ધોરાજી ના ઝાંઝમેર ખાતે તાલુકા અને જિલા પંચાયત માટે ઝાંઝમેર ના વરરાજા એ એમના પરિવાર સાથે કર્યું મતદાન ઝાંઝમેર ખાતે આવેલ સરકારી શાળા માં કર્યું હતું મતદાન ઝાંઝમેર ગામ ખાતે રાજેશ સોલંકી નામના વરરાજા એ એમના પરિવાર સાથે કર્યું હતું મતદાન લગ્ન ગ્રંથી થી જોડાયા પહેલા વરરાજાએ મતદાન કર્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ