ભાવનગરમાં ચૂંટણી ફરજ પર જઈ રહેલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રસ્તા પર બેભાન પડેલા વૃદ્ધ માટે બન્યા દેવદૂત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે માનવસેવાનો અનોખો દાખલો ભાવનગર જિલ્લામાં જોવા મળ્યો છે. જેસર તાલુકાના બીલાના કાત્રોડી પી.એચ.સી. કેન્દ્રમાં ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શ્રી રામભાઈ કામળિયા આજે તા. 26 એપ્રિલ, 2026ના રોજ ઇલેક્શન ડ્યુટી માટે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં બેભાન હાલતમાં પડેલા એક વૃદ્ધ માટે દેવદૂત સમાન સાબિત થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રામભાઈ કામળિયા પા ગામથી કાત્રોડી તરફ ચૂંટણી ફરજ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન જૂના પા બસ સ્ટેશન નજીક અંદાજે 55 વર્ષીય એક વૃદ્ધ રસ્તા પર અચાનક પડી જતા બેભાન હાલતમાં હતા. તેમની પત્ની વૃદ્ધનું માથું ખોળામાં રાખીને વ્યાકુળતાપૂર્વક મદદ માટે રડી રહ્યા હતા અને તેમને ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ વૃદ્ધ કોઈ પ્રતિસાદ આપી શકતા નહોતા. આ દ્રશ્ય જોતા જ રામભાઈ કામળિયાએ વિલંબ કર્યા વગર તાત્કાલિક માનવતા દર્શાવી અને વૃદ્ધને સી.પી.આર. આપવાનું શરૂ કર્યું. સતત પ્રયાસો બાદ થોડા જ સમયમાં વૃદ્ધને ભાન આવ્યું અને તેમની સ્થિતિમાં સુધારો થયો. ત્યારબાદ તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સી.એચ.સી. ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રામભાઈ કામળિયાની સમયસરની સમજદારી, આરોગ્યક્ષેત્રની કુશળતા અને સેવા ભાવનાના કારણે વૃદ્ધનો જીવ બચી શક્યો હતો. આ પ્રસંગે વૃદ્ધના પરિવારજનોએ રામભાઈ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ