અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે પાલિકામાં સરેરાશ 58 ટકા, જિલ્લા પંચાયતમાં 56 ટકા મતદાન

ગરમીના કારણે અનેક મતદારો મતદાનથી દૂર રહ્યા : સાંસદ સુતરિયા, ઉર્જામંત્રી વેકરિયા, ઈફકો ચેરમેન દિલીપ સંઘાણીએ મતદાન કર્યુ

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે દિવસ દરમિયાન એકાદ-બે નાની ઘટનાઓને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું. કાળઝાળ ગરમી હોવા છતાં મતદારોમાં શરૂઆતના સમયમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે બપોર બાદ મતદાન ધીમું પડતાં ઉમેદવારોમાં ચિંતા ફેલાઈ હતી. આજે ચૂંટણી દરમિયાન કેટલાંકસ્થળોએ ઇવીએમ મશીન બદલવાં પડયાં હતાં.
અમરેલી જિલ્લામાં આજે 44-5 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાન વચ્ચે મતદાન યોજાયું હતું. સવારે ઠંડકભર્યા વાતાવરણમાં મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગી હતી, પરંતુ બપોરના કાળઝાળ તાપ શરૂ થતાં મતદાનની ગતિ ધીમી પડી ગઈ હતી. ગરમીના કારણે ઘણા મતદારો મતદાનથી દૂર રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર પૂરતી છાયા અને પાણીની સુવિધા ન હોવાના કારણે મતદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી મતદાન પર અસર જોવા મળી હતી. ઉપરાંત, દર ચૂંટણીની જેમ આ વખતે પણ વોટર સ્લિપનું યોગ્ય વિતરણ ન થતાં ઘણા મતદારો નિરાશા અનુભવી રહ્યા હતા.
ચૂંટણી દરમિયાન રાજકીય આગેવાનોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાએ પોતાના વતન દેવરાજીયા ગામે પરિવાર સાથે જઈ મતદાન કર્યું હતું. જ્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ પોતાની પત્ની સાથે બાઈક પર આવી જરખીયા ગામે મતદાન કર્યું હતું. રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ઇશ્વરીયા ગામે મતદાન કર્યું હતું, જ્યારે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના વતન માળીલા ગામે પત્ની સાથે જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાનના આંકડા મુજબ, અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાઓમાં સરેરાશ આશરે 58 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે 11 તાલુકા પંચાયતોમાં અંદાજે 53 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે.
આમ, અમરેલી જિલ્લામાં ગરમી અને અપૂર્ણ સુવિધાઓ વચ્ચે પણ જિલ્લામાં કુલ મળીને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
આજે ચૂંટણીના મોકડ્રીલ સમય દરમિયાન તાલુકા જિલ્લા પંચાયતમાં 10 સી.યુ. મશીન તથા 2 બી.યુ. બદલવા પડ્યા હતાં. નગરપાલિકામાં 4 બી.યુ. મશીન બદલવા પડયાં હતાં. જ્યારે ચાલુ મતદાન દરમિયાન પણ 1 સી.યુ. મશીન ખરાબ થતાં બદલવાની ફરજ પડી હતી. તથા પાલિકાની ચૂંટણીમાં 1 સી.યુ. તથા 5 બી.યુ. ખરાબ થતાં બદલવાની ફરજ પડી હતી.

રિલેટેડ ન્યૂઝ