રાજકોટ વોર્ડ નંબર 14ના ભાજપ કાર્યકર કાકા ભત્રીજા પર હુમલો

કોંગ્રેસ ઉમેદવાર ચાવડીયા બંધુએ હુમલો કરતા રુદ્ર માખેલાને માથામાં ઈજા થતા સાત ટાંકા લેવા પડ્યા, રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ ના કાર્યકરો વચ્ચે પોતાના તરફ મતદાન કરાવવા માટે રીતસરની ગળા કાપ હરીફાઈ સર્જાઇ હોય તેવું મતદાન દરમિયાન સાંજ સુધી જોવા મળી રહ્યું હતું ત્યારે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ વોર્ડ નંબર 14 માં ભાજપના સમર્થક કાકા ભત્રીજા ઉપર વોર્ડ નંબર 14 ના જ કોંગ્રેસ ઉમેદવાર બંધુએ હીચકારો હુમલો કરતા યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો જે અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નું મતદાન આજે સવારથી 18 વોર્ડમાં પ્રારંભ થયો હતો તે દરમિયાન જુદા જુદા પક્ષો દ્વારા પોતાના પક્ષમાં મતદાન કરાવવા માટે આગેવાનો અને કાર્યકરો તેમજ સમર્થકો કમર કસી રહ્યા હતા.
રાજકોટમાં મતદાન દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ વોર્ડમાં ભાજપ કોંગ્રેસ તેમજ આપ ના કાર્યકરો ઉમેદવારો અને સમર્થકો વચ્ચે તો ક્યાંક બુથ ઉપર અધિકારીઓ સાથે આંકડા મેળવવા જેવી બાબતે નાના-મોટા ઘર્ષણ જોવા મળી રહ્યા હતા.
સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થતા રાજકોટના વોર્ડ નંબર 14 ના ભાજપના સમર્થક બે કાર્યકર કાકા ભત્રીજા વિપુલભાઈ માખેલા અને તેનો ભત્રીજો લક્ષ્મીવાડી સોની સમાજની વાડી નજીક હતા તે દરમિયાન વોર્ડ નંબર 14 ના જ કોંગ્રેસના ઉમેદવાર પ્રિતેશ ચાવડીયા અને તેનો ભાઈ બીજલ ચાવડીયા હથિયાર સાથે ધસી આવ્યા હતા.
બંને ચાવડીયા બંધુએ ભાજપના કાર્યકર વિપુલભાઈ અને તેના ભત્રીજાએ પોતાના વિરુદ્ધ ભાજપમાં મતદાન કરાવ્યાનું કહી બન્ને સાથે જીભા જોડી અને બોલાચાલી કર્યા બાદ ઝઘડો શરૂ કર્યો હતો તેમજ ગાળા ગાળી કરી વિપુલભાઈ અને તેમજ તેના ભત્રીજા સાથે ઝપાઝપી કરી હુમલો કરતા વિપુલભાઈના ભત્રીજા રુદ્ર અનિલભાઈ માખેલાને માથાના ભાગે ઇજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા વોર્ડ નંબર 14 ના આગેવાનો તેમજ ઉમેદવાર સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમ જ ભક્તિનગર પોલીસ મથક ની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી મામલો વધુ બીચકે તે પહેલા પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ઘવાયેલા રુદ્ર માખેલાની ફરિયાદ ના આધારે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જેડી પરમાર રાઇટર નિલેશભાઈ સહિતની ટીમે હુમલો કરનાર કોંગ્રેસ અગ્રણી રાજુ ચાવડીયાના વોર્ડ નંબર 14ના કોંગ્રેસ ઉમેદવાર એવા ભત્રીજા પ્રિતેશ ચાવડીયા તેમજ બીજલ ચાવડીયા સામે રાયોટિંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

રિલેટેડ ન્યૂઝ