સશક્ત લોકશાહી અને સક્ષમ નેતૃત્વ માટે અવશ્ય મતદાન કરવું જોઈએ: હરિદાસજી મહારાજ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બાણેજ ખાતે આવેલ એકમાત્ર મતદાન માટે ચૂંટણીતંત્રે મતદાનની વ્યવસ્થા કરી હતી. એકમાત્ર મતદાર એવા હરિદાસજી મહારાજ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા બાબતે હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, મારા એક માટે ચૂંટણી તંત્ર દ્વારા આવા અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં મતદાન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે, જે લોકશાહીમાં એક મતની કેટલી કિંમત છે તે દર્શાવે છે.
સક્ષમ અને સશક્ત લોકશાહીના નિર્માણ માટે તેમજ સક્ષમ નેતાની પસંદગી માટે સમાજના લાયક તમામ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ તેવી લાગણી તેમણે આ તકે દર્શાવી હતી.
હરિદાસજી મહારાજ વન વિભાગ દ્વારા દરેક ચૂંટણી વખતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા એક વૃક્ષ તેમને આપવામાં આવે છે. જેને તેઓ વાવે છે. ગઈ વખતે તેમને કરમદા નો છોડ આપવામાં આવ્યો હતો અને આ વખતે તેમને પીપળા નો છોડ આપવામાં આવ્યો છે. વૃક્ષો માટે વન વિભાગની આ સંવેદનાને પણ તેમણે બિરદાવી હતી.
એક મતની કિંમત પારખીને ચૂંટણી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી આ વ્યવસ્થાને તેમણે બિરદાવી ચૂંટણી આયોગની વ્યવસ્થા માટે અભિનંદન પાઠવ્યા હતા.
