ધારી ગીર વિસ્તારમાં પૂર્વ મંજુરી વિના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા સામે નોટિસ

વિસ્તાર સિંહ સંરક્ષણ હેઠળ સંવેદનશીલ હોઇ…
જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયેલું પણ વન વિભાગની નોટીસને પગલે મોકુફ રહ્યું

અમરેલી જિલ્લામાં સૌથી વધુ એશિયાટિક સિંહ પરિવાર વસતાં હોય, ત્યારે ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના વનવિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં યોજાનારા એક સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને વનવિભાગે આયોજકને નોટિસ ફટકારતા, જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં ગીર પૂર્વના ધારી વિસ્તાર હેઠળ આવતા જસાધાર રેન્જમાં ખજૂરી નેસ ખાતે આગામી 3 મે ના રોજ જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની જાહેરાત તેમનાં દ્વારા સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવેલ હતી. આ અંગેની જાણ થતાં જ વનવિભાગ સક્રિય બન્યું હતું અને પ્રતિબંધિત વિસ્તારમાં આ પ્રકારનું આયોજન કરવા અંગે આયોજકને તાત્કાલિક નોટિસ ફટકારી હતી.
આ નોટિસ દ્વારા વનતંત્ર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, સિંહ સંરક્ષણ હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારમાં કાર્યક્રમ યોજવા માટે કોની મંજૂરી લેવામાં આવી છે ? ગીર વિસ્તાર એ એશિયાટિક સિંહોના વસવાટ માટે મહત્વપૂર્ણ હોવાથી, કોઈપણ માનવ પ્રવૃત્તિથી વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવો ભય હોય છે. તેમ વનવિભાગ દ્વારા જણાવેલ છે.
વનવિભાગની આ કાર્યવાહી બાદ કાર્યક્રમનાં આયોજક જળક્રાંતિ ટ્રસ્ટે ગીર ગાય અને પશુપાલકોને કેન્દ્રમાં રાખી યોજાયેલ કાર્યક્રમને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ મામલે ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ સહાયે જણાવ્યું હતું કે, સિંહોના રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને નિયમોના પાલન માટે કડક પગલાં લેવામાં આવશે. વનવિભાગના આ પગલાથી સંવેદનશીલ વિસ્તારોમાં અનધિકૃત પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો ગયો છે.

રિલેટેડ ન્યૂઝ