300 મીટર જેટલી કેનાલનું ભુલાઈ ગયેલુ કામ 15 વર્ષ વીતવા છતા પૂરૂ નથી થયું
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે જ્યાં ખેડૂતો મુખ્યત્વે ઘઉં, કપાસ અને મગફળી જેવા પાકો પર નિર્ભર છે. સરકારનો દાવો છે કે નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ આ જિલ્લાને મળ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. વઢવાણ, ખારવા, બલદાણા અને ગોમટા જેવા ગામોના ખેડૂતો માટે આ કેનાલ માત્ર ’શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થઈ છે.
ખેડૂતોએ પોતાની કિંમતી જમીન કેનાલ માટે આપી હતી એ આશાએ કે તેઓ વર્ષમાં બે પાક લઈ શકશે. પરંતુ 15 વર્ષ વીતવા છતાં કેનાલમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. જ્યારે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી, ત્યારે ચોંકાવનારો જવાબ મળ્યો કે 300 મીટર જેટલી કેનાલ બનાવવાનું ભૂલાઈ ગયું છે. આ ભૂલને કારણે આજે કેનાલમાં પાણીને બદલે બાવળ અને ઝાડીઓ ઉગી નીકળ્યા છે.
500 એકર જમીન પર સંકટ: કેનાલની જર્જરિત હાલત અને પાણીના અભાવે અંદાજે 500 એકર જેટલી જમીન બિન-ઉપજાઉ બની રહી છે. ખેડૂતોનો આરોપ છે કે અત્યાર સુધીમાં 4 ધારાસભ્યો બદલાઈ ગયા, પરંતુ કોઈએ તેમની આ પીડા સાંભળી નથી. પાણી ન મળવાને કારણે ખેડૂતો હવે રોકડિયા પાક વાવવા મજબૂર બન્યા છે અને તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
આંદોલનની ચીમકી : સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરી પાણી છોડવામાં નહીં આવે, તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોની માગ છે કે સરકાર ગાઢ નિદ્રામાંથી જાગે અને તેમના હક્કનું પાણી તેમને પહોંચાડે.
