મનાલીમાં ભાવનગરનાં સિંધી પરિવારને ગોઝારો અકસ્માત: એક જ પરિવારનાં 6સભ્યોના મોત

બેલા હાઇ-વે પરથી કાર ખીણમાં ગબડી પડતા મોતની ચીચીયારી ઉઠી: સમાજનાં અગ્રણી લલીતભાઇ, પત્ની, પુત્રી જમાઇ અને પૌત્રએ જીવ ગુમાવ્યો: કાર ચાલકનું પણ મોત

ખુશીની અંતિમ તસ્વીરો: ભાવનગરના સિંધી સમાજના અગ્રણી પરિવાર સાથે કારમાં મનાલી ફરવા ગયા હતા ત્યારે પરિવારના સભ્યો ખુશી અનુભવી રહ્યા હતા અને મોબાઈલમાં સેલ્ફી લઈ અંતિમ યાદો કેદ કરી હતી તેમણે શું ખબર હતીકે આ તસવીરો તેમની ખુશીની છેલ્લી તસવીર હશે.

હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના પાંચ સભ્યોના અને સ્થાનિક ડ્રાઈવર સહિત કુલ છ ન કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય 4 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલી ના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 28 પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જોરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ સ મોત નીપજ્યું હતું. સ્થાનિક ડ્રાઇવર જસવંતકુમાર નું પણ મોત નિપજ્યું છે. આમ આ અકસ્માતમાં કુલ છ ના મોત નીપજ્યા છે.
સિંધી પરિવારના એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા 4 સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે. આ તમામ ઈજાગ્રસ્તોને સ્થાનિકો અને વહીવટી તંત્રની મદદથી રેસ્ક્યુ કરી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવની જાણ થતા જ ભાવનગર સિંધી સમાજના અગ્રણી અને સિન્ધુ સેનાના પ્રદેશ પ્રમુખ કમલેશભાઈ ચંદાણી હરકતમાં આવ્યા હતા. તેઓએ તાત્કાલિક હિમાચલ પ્રદેશના સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. કમલેશભાઈ હાલ સતત સંપર્કમાં રહીને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે અને મૃતકોના પાર્થિવ દેહને વહેલી તકે ભાવનગર લાવવામાં આવે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે.
આ ઘટનાને પગલે ભાવનગરના સિંધી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને અનેક અગ્રણીઓએ આ દુ:ખદ ઘડીમાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ચવાડી ભાટિયાલ હોસ્પિટલમાં મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરિવાર અને સમાજ દ્વારા મૃતકોના હિમાચલમાં જ અંતિમ સંસ્કાર કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે, સમાજનું પ્રતિનિધિ મંડળ સ્થળે પહોંચવા નીકળી ગયા છે તેમ કમલેશ ચંદાણીએ વિગતો આપતા જણાવ્યું હતું.
મંત્રી નિમુબેન સતત સંપર્કમાં, જરૂરી તમામ મદદ માટે ખાતરી- સ્ટાફને મદદે મોકલ્યો
ભાવનગર સિંધી જનરલ પંચાયતના મહામંત્રી ભરતકુમાર વાધવાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સાથે સતત સંપર્કમાં રહીને તેમના દ્વારા ત્યાંની જે કંઈ ઘટતી વ્યવસ્થા છે કરાઈ છે. તેઓ સતત અમારા પ્રમુખ અને સમાજ સાથે સંકલનમાં છે. નીમુબેને ખાતરી આપી છે કે અમારા તરફથી કોઈ પણ વ્યવસ્થાની જરૂર હોય તો તમે સતત અમારા સંપર્કમાં રહેજો અને તેમના પી.એ. દ્વારા અમને 4 નંબર પણ આપ્યા છે કે કોઈ પણ જરૂર હોય તો અમે પૂરી કરીશું. સાથે હિમાચલ પ્રદેશનું પ્રશાસન નીમુબેન બાંભણિયાના સંપર્કમાં રહીને અમને પોઝિટિવ રીતે ખૂબ સારી રીતે સંપર્કમાં છે અને ખૂબ જ કો-ઓપરેટ કરે છે. ત્યાંના સમાજસેવકો અને તંત્રના મુખ્ય અધિકારીઓના સતત ફોન પણ શરૂ છે અને તેઓ અમને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. બીજી બાજુ મંત્રી નિમુબેને એફસીઆઈના એજીએમ અધિકારી અને સ્ટાફને મદદે મોકલી આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ