રાણાકંડોરણાની બી.ઓ.બી.માં સ્ટાફના અભાવે ખાતેદારો મુશ્કેલીમાં

દસ ગામના ખેડૂતોને સરકારી યોજનાનો લાભ લેવામાં પારાવાર પરેશાની: પૂરતા પ્રમાણમાં કર્મચારીઓની નિમણૂંક કરવા થઇ માંગ

પોરબંદરના રાણાકંડોરણા ગામની બેન્ક ઓફ બરોડામાં સ્ટાફના અભાવે અરજદારો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
રાણા કંડોરણા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખા હાલમાં ગંભીર વહીવટી કટોકટીમાંથી પસાર થઈ રહી છે. સ્ટાફની અછતને કારણે આ શાખા સાથે જોડાયેલા ડઝનબંધ ગામોના હજારો ખાતેદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ગ્રામીણ જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
રાણા કંડોરણા ઉપરાંત ઠોયાણા, ભોડાદાર, મહિરા, વડોત્રા, ખીજદડ, બાપોદર, વડવાળા જેવા અનેક ગામોના ખેડૂતો અને સામાન્ય નાગરિકો આ બેંક પર નિર્ભર છે. અહીં સ્ટાફ પૂરતો ન હોવાથી સાધારણ કામકાજ (જેમ કે એન્ટ્રી પડાવવી, રોકડ જમા કરવી કે ઉપાડવી) માટે ખાતેદારોએ આખો દિવસ લાઈનમાં ઉભા રહેવું પડે છે.
હાલ ખેતીની સીઝન અને સરકારી યોજનાઓના કામ ચાલતા હોય, ત્યારે દૂર-દૂરથી આવતા ખેડૂતોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.બેંકમાં કામ માટે આવીએ ત્યારે પૂરતો સ્ટાફ હોતો નથી. કલાકો સુધી ઉભા રહ્યા પછી ઘણીવાર કામ વગર જ ઘરે પાછા ફરવું પડે છે. બેંક તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે-થે છે.
બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે રાણા કંડોરણા શાખામાં વધારાનો સ્ટાફ ફાળવે. ગ્રામીણ ગ્રાહકોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ લાવવામાં આવે. જો આગામી દિવસોમાં સ્ટાફની ભરતી કે વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આસપાસના તમામ ગામોના ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન અને બેંકને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તંત્ર દ્વારા આ પ્રશ્ર્ને ત્વરિત નિકાલ લાવવામાં આવે તેવી તમામ ગ્રામજનોની આગ્રહભરી અપીલ છે.

રિલેટેડ ન્યૂઝ