મોકરથી નેશનલ હાઈવે સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો

સાત કિલોમીટરના રસ્તા માટે સાત વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું પરંતુ કોઈએ લીધું નહીં: વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં સરકાર જાગી નહીં

પોરબંદર નજીકના મોકર ગામથી નેશનલ હાઇવે સુધીનો સાત કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ છે અને તેના નવીનીકરણ માટે સાત વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે,પરંતુ કોઈએ લીધું નથી તેથી સરકાર જાતે કામગીરી કરે તેવી માંગણી થઈ છે.
રાણાવાવ તાલુકાના મોકર ગામથી નેશનલ હાઈવેને જોડતો આશરે 7 કિ.મી. લાંબો ડામર રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તો આગળના 20 થી 25 ગામડાંઓને જોડતો મુખ્ય માર્ગ હોવાથી રોજ હજારો લોકોને હાલાકી ભોગવવી પડે છે.
ગ્રામજનોએ જણાવ્યું કે આ રસ્તા માટે 7 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે,પરંતુ ખર્ચ વધુ હોવાથી કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી.
રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રોજ 2 થી 3 અકસ્માતો બને છે.7 કિ.મી.ના પટ્ટામાં 10 ફૂટ પણ સારો રસ્તો નથી, જેના કારણે સ્કૂટર લઈને જવું પણ અશક્ય બન્યું છે.
છેલ્લા 8 મહિનાથી ગામના સરપંચ દ્વારા તમામ અધિકારીઓને લેખિત રજુઆત કરવામાં આવી છે,પરંતુ આજદિન સુધી કોઈ નિવારણ આવ્યું નથી.
ગ્રામજનોની તંત્રને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવી માનવ જિંદગી બચાવવાની માંગ છે.

રિલેટેડ ન્યૂઝ