પોરબંદર સંભાવનાઓની ભુમિ પણ શ્ર્વાસ રૂંધાયેલું શહેર

વિકાસ માટે ભૌગોલિક પરિસ્થિતિ અનુકુળ હોવા છતા વાસ્તવિકતા કંઈક અલગ: રોજગાર માટે લોકો કરી રહ્યા છે સ્થળાંતર

પોરબંદરમાં અનેક સુવિધાઓ હોવા છતાં વિકાસ રૂંધાઈ રહ્યો છે ત્યારે નેતાઓ જાગે તેવી ટકોર થઈ છે.
પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી અને એડવોકેટ તથા સિનિયર ટેક્સ સલાહકાર વિજય ઉનડકટે જણાવ્યું હતુ કે,પોરબંદરની ભૌગોલિક સ્થિતિ જુઓ તો એવું લાગે કે પ્રકૃતિએ જાણે ખુલ્લા હાથે ખજાનો વેરી દીધો છે. અહીં ખનીજ લાઇમસ્ટોનનો પથ્થર છે, ખેતીની જમીન છે, સમૃદ્ધ દરિયાકિનારો છે અને ફિશિંગનો વારસો છે.બ્રોડગેજ રેલ્વે, એરપોર્ટ અને ઓલવેધર પોર્ટ જેવી આધુનિક સુવિધાઓ પણ હાજર છે.લાંબો દરિયાઈ માર્ગ વેપાર-ઉદ્યોગ માટે સોનાનું સીમાડું બની શકે છે. પોરબંદર માત્ર વ્યાપારની ભૂમિ નથી, શ્રદ્ધાની ભૂમિ પણ છે. સુદામાની જન્મભૂમિ, મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થપાયેલ વિશાળ સાંદીપનિ આશ્રમ તથા સુંદર હરિ મંદિરને કારણે હજારો યાત્રાળુઓ અહી આવે છે.કોસ્ટગાર્ડ અને નેવી મથક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોરબંદરનું મહત્વ અદ્વિતીય છે. પોરબંદરની સૌથી મોટી તાકાત એ છે કે,તે દ્વારકા અને સોમનાથ જેવા બે મહત્વપૂર્ણ આસ્થા સ્થળોની વચ્ચે આવેલું છે.બંને સ્થળ પોરબંદરથી આશરે 125 કિ.મી.ના અંતરે છે.આ કારણે રોજ હજારો યાત્રાળુઓ પોરબંદર થઈને પસાર થાય છે. જો પોરબંદરના પોતાના મંદિરો અને ધાર્મિક સ્થળોને વ્યવસ્થિત રીતે પ્રોત્સાહન મળે,તો યાત્રાળુઓનો પ્રવાહ અહીં પણ રોકાઈ શકે. ઉપરાંત પોરબંદરના દરિયા કિનારે આવેલી સુંદર ચોપાટી પણ એક મોટું આકર્ષણ છે. સ્વચ્છતા અને નજારાની દ્રષ્ટિએ તે મુંબઈની ચોપાટીથી પણ ઉતરતી નથી. સૌથી મોટી વાત એ કે પોરબંદરને આજે બે અનુભવી અને ઉત્સાહી સારથી મળ્યા છે. એક તરફ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, બીજી તરફ પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા.બંને પોરબંદરની ભૌગોલિક અને સામાજિક સ્થિતિથી સારી રીતે વાકેફ છે.જો બંનેની મહેનત અને પ્રયત્નો સફળ થાય તો પોરબંદરમાં નાના-મોટા દરેક પ્રકારના ઉદ્યોગ લાવી શકાય તેમ છે.
પરંતુ આજે વાસ્તવિકતા શું છે?
પોરબંદર ઓક્સિજન પર જીવી રહ્યું છે.મોટાભાગના સગવડ ધરાવતા પોરબંદરવાસીઓ રોજગાર અને સુવિધાઓ માટે મોટા શહેરોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે, અને ઘણા હજુ તૈયારી કરી રહ્યા છે.શહેરના ધંધા-રોજગાર સાવ ઠપ થઈ ગયા છે.જે શહેરમાં બે મહાપુરૂષો જન્મ્યા, જે શહેરમાં શ્રદ્ધા અને વ્યાપાર બંનેનો સમન્વય છે, તે શહેર આજે નિસ્તેજ બની રહ્યું છે.
સવાલ એ છે કે પોરબંદરને ફરી બેઠું કઈ રીતે કરવું?
જવાબ સ્પષ્ટ છે – સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને ઉદ્યોગો સ્થાપવા, પ્રવાસન અને યાત્રાધામોને વિકસાવવા, અને યુવાનોને અહીં જ રોજગારી મળે તેવી નીતિઓ બનાવવી. જો મંત્રીમંડળના બંને સારથી સાથે મળીને દિશા આપે, તો પોરબંદર ફરી ગતિમાન બની શકે છે.
પોરબંદર પાસે બધું છે સંસાધન, ઇતિહાસ, શ્રદ્ધા અને નેતૃત્વ. હવે જરૂર છે માત્ર નિર્ણાયક ઇચ્છાશક્તિની. જો આ થાય, તો પોરબંદર ફરી એ જ ગૌરવ સાથે ઊભું થશે, જેના તે હકદાર છે.

રિલેટેડ ન્યૂઝ