ખનીજ માફિયાઓએ ખોદી નાખેલી … ખાણના પાણીમાં ન્હાવા પડેલા ચોટીલાના પાજવાળી ગામના યુવકનું ડુબી જતાં મોત

ખનીજ માફિયાઓ સામે જનઆક્રોશ : જોખમી ખાડાઓ ખુલ્લા મુકનારા સામે ક્યારે સખ્ત કાનુની પગલા લેવાશે : લોકોમાં રોષ

ચોટીલા-થાનગઢ પંથકમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતા ગેરકાયદે અને જોખમી ઉત્ખનનનું વધુ એક અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક પરિણામ સામે આવ્યું છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે વાવડી ગામની સીમમાં માફિયાઓએ ખોદી નાખેલી પાણીથી ભરેલી જોખમી ખાણમાં ન્હાવા પડેલા પાજવાળી ગામના 21 વર્ષીય આશાસ્પદ યુવાન સંજયભાઈ પન્નાભાઈનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
તંત્રની બેદરકારી અને માફિયાઓના પાપે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.ઘટનાની વિગત અને મોતના કૂવાની વાસ્તવિકતા મળતી વિગતો મુજબ, ગઈકાલે બુધવારે કાળઝાળ ગરમીથી બચવા માટે સંજયભાઈ ચોટીલા-થાનગઢ વચ્ચે વાવડી ગામની સીમમાં આવેલી ખાણના પાણીમાં ન્હાવા પડ્યા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે ન પરત ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. ખાણના કિનારેથી સંજયનું બાઇક, કપડાં, મોબાઈલ અને ચપ્પલ મળી આવતા તેઓ પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા પાકી થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પંચાયત, રેવન્યુ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ સહિત ચોટીલા અને સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ, માફિયાઓએ ખોદેલી ખાણ એટલી ઊંડી અને નીચે કાદવ-માટીથી ભરેલી હતી કે રેસ્ક્યુ ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
અંતે 18 કલાકની ભારે જહેમત બાદ ગુરુવારે બપોરે સંજયનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક સંજય ચાર ભાઈઓમાં સૌથી નાનો અને આખોય પરિવારનો લાડકવાયો હતો. હજુ થોડા સમય પહેલા જ તેના વેવિશાળ (સગાઈ) થયા હતા. ઘરે શરણાઈઓ વાગે તે પહેલા જ આ કાળમુખી ખાણે તેનો જીવ લઈ લેતા નાનકડા પાજવાળી ગામમાં માતમ છવાઈ ગયો છે અને પરિવાર આક્રંદ કરી રહ્યો છે.
સ્થાનિકો અને સમાજના લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉગ્ર વિરોધ સાથે થાનગઢ-ચોટીલા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકોનો સીધો સવાલ છે કે, આવા જોખમી ખાડાઓ ખુલ્લા મૂકીને લોકોના જીવ સાથે રમત રમતા ખનીજ માફિયાઓ સામે ક્યારે સખત કાનૂની પગલાં ભરાશે? આ મોત પાછળ જવાબદાર અદ્રશ્ય હાથો કોના છે?

રિલેટેડ ન્યૂઝ