ખંભાળીયાના વોર્ડ નં.2માં સુવિધાનો અભાવ; રોડ ડ્રેનેજ સહિત 23 મુદે રજૂઆત

વોર્ડ નં.2ના સદસ્યોએ ચીફ ઓફીસરને પત્ર પાઠવ્યો

ખંભાળિયા શહેરની બગલમાં આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે ખંભાળિયા નગરપાલિકાના વિસ્તારમાં ભળેલા કેટલાક રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો હાલ શહેરના વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ થયા છે. ત્યારે આ વિસ્તારમાં અનેક ખૂટતી સુવિધાઓ હોય, આ મુદ્દે અહીંના પાલિકાના સદસ્યો દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયા નગરપાલિકાના નવરચિત વોર્ડ નં. 2 માં હાલ મહત્વના એવા રોડ-રસ્તા, ગટર તેમજ ડ્રેનેજ સહિતના અનેક પડતર પ્રશ્નો છે. આ ઉપરાંત અહીં આવેલા મહાપ્રભુજીની બેઠક પાસેના બ્રિજને મોટો અને પહોળો કરવા, વરસાદી પાણીના નિકાલ માટે આયોજન કરવા, જુદા જુદા સ્થળે પેવર બ્લોક નાખવા, જેવા પ્રશ્નોનું નિરાકરણ હાલની પરિસ્થિતિમાં અનિવાર્ય છે. ત્યારે આ વિસ્તારના લત્તાવાસીઓને જરૂરી સુવિધા માટે અનિવાર્ય એવા જુદા જુદા 23 નાના-મોટા પ્રશ્નો સંદર્ભે વોર્ડ નંબર 2 ના સદસ્ય ઋષિરાજ ખેતિયા, મુક્તાબેન નકુમ, કવિતાબેન ચાવડા તથા રસિકભાઈ નકુમ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતની નકલ સંબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓને પણ મોકલવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ