આ રસોડામાં એક કલાકમાં 5 હજાર લોકોની રસોઇ થઇ શકે
સૌરાષ્ટ્રની મધ્યગીર અને પર્વતોની હારમાળા વચ્ચે આવેલું હજારો વર્ષ જૂનું તીર્થધામ તુલસીશ્યામ આજે ભક્તિ, આસ્થા અને સેવાનું કેન્દ્ર બની રહ્યું છે. મોરારીબાપુ આજે તુલસીશ્યામ પધાર્યા અને ભગવાન શ્યામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તુલસીશ્યામ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 25 લાખના ખર્ચે અત્યાધુનિક ધુમાડા રહિત ઇલેક્ટ્રિક રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે. આ રસોડું ન લાઈટ અને ઓઇલથી ગરમ થાય છે અને એક કલાકમાં 5000 ભક્તોની રસોઈ તૈયાર કરી શકે છે. મોરારીબાપુએ આધુનિક કિચન અને ગૌશાળાનું નિરીક્ષણ કરી રાજીપો વ્યક્ત કર્યો. હવે ગમે તેટલી ભીડ હોય તોય તાત્કાલિક ગરમાગરમ પ્રસાદ ભક્તોને મળી રહેશે.
રુક્ષ્મણી ડુંગરા ઉપર લીલી હરિયાળી અને આંબા જળ નદીના કિનારે આવેલું આ મંદિર અતિ રમણીય છે. ગાંડી ગીરના જંગલ વચ્ચે આવેલું આ સ્થળ ડાલામથા સિંહ, હરણ, મોર અને અનેક વન્યજીવોનું ઘર છે. અહીંના ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગ સહિત અનેક વ્યાધિ દૂર થાય છે તેવી ભક્તોની આસ્થા છે.
પ્રવાસન યાત્રાધામની ગ્રાન્ટમાંથી તાજેતરમાં તુલસીશ્યામ મંદિરના વિકાસ માટે 8.30 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી મેન ગેટ, મંદિરનો નજરાણો, પાર્કિંગ અને ડુંગરા ઉપર પાર્કિંગ સહિતના કામો તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા મંજૂર કરાવવામાં આવ્યા છે. આ કામો એક વર્ષમાં પૂર્ણ થતા તુલસીશ્યામ પર્યટન અને ધાર્મિક દર્શન માટે ગુજરાતનું એક મુખ્ય જોવાલાયક સ્થળ બનશે.
આ પ્રસંગે તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા મોરારીબાપુનું બહુમાન-સન્માન કરવામાં આવ્યું. રસોડા માટે 10 જેટલા દાતાઓએ આર્થિક સહયોગનું દાન આપ્યું અને તુલસીશ્યામ ટ્રસ્ટના સહયોગથી આ કાર્ય કાર્યરત થયું.
કાર્યક્રમમાં માજી તાલુકા પંચાયત પ્રમુખ ગૌતમભાઈ વરુ, ટ્રસ્ટી ડો. બી.બી. વરુ, ટ્રસ્ટી કથડ બાપુ વડ, ચીમનભાઈ વાઘેલા, નિલેશભાઈ વાવડીયા, લવકુભાઈ વાળા, મયુરભાઈ વરુ અને મેનેજર ચિરાગભાઈ ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહેશભાઈ કોટીલા, ભીખાભાઈ કોટીલા સોની પરિવાર અને ટ્રસ્ટીઓની સેવા અપાઇ હતી.
