ચોમાસાને હજુ બે સપ્તાહની વાર છે છતાં મનાઇ ફરમાવવાથી પર્યટકોમાં કચવાટ
દીવમાં નાગવા બીચ ઉપર સ્વીમીંગની મનાઇ હોવાથી પર્યટકોમાં નારાજગી ફેલાઇ છે. પહેલી જુનથી 31 ઓગસ્ટ આ ત્રણ માસમાં ચોમાસાની ઋતુ હોવાથી અને કોઇ દુર્ઘટના ન બને તે માટે દીવ પ્રશાસન દ્વારા દીવના તમામ બીચ ઉપર સ્વીમીંગ માટે પ્રતિબંધ ફરમાવેલ છે. જેનું મુખ્ય કારણ એ છે કે સમુદ્ર તોફાની બનતો હોય છે. પરંતુ ખાસ વાત તો એ છે કે મોટાભાગના પર્યટકો દીવના બીચની મજા અને સ્વીમીંગ માટે આવતા હોય છે. દીવ પગશાસનના આદેશથી પોલીસ કર્મીઓએ બીચ ઉપર પર્યટકોને સમજાવી અને સ્વીમીંગ કરવાની મનાઇ ફરમાવી છે. પર્યટકો પણ એવું ઇચ્છતા હતા કે વરસાદ હજુ બે સપ્તાહ બાદ શરૂ થશે અને ગરમીનો સમય છે તો પ્રશાસને બે સપ્તાહ પછી સ્વીમીંગ ઉપર પ્રતિબંધ કરવો જોઇએ. સ્વીમીંગ ઉપર મનાઇ હોવાથી પર્યટકોમાં નારાજગી જોવા મળી છે.
