અંબુજા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શન શિબિર ઉનાના ખાણ ગામે યોજાઈ

કોડીનાર ખાતે આવેલ અંબુજા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક એક માર્ગદર્શન શિબિર ઉના તાલુકાના ખાણ ગામે યોજાઈ હતી.જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
5 જૂન – ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે અંબુજા ફાઉન્ડેશન અને બેટર કોટન ઇનીસીએટીવ દ્વારા ઉના તાલુકાના ખાણ ગામ ખાતે પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતાનું સંવર્ધન કરવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનોને ચકલી ઘર અને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ગામના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગોલ્ડ મેડાલિસ્ટ આયુર્વેદાચાર્ય ડો. દમણીયાએ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને માનવ સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસરો થાય છે.
આ ઉપરાંત, અંબુજા ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર કિરીટ જસાણીએ પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે દેશી ખાતર, જીવામૃત, ઘનજીવામૃત તેમજ પ્રાકૃતિક દવાઓના ઉપયોગ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા અને રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ખાણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સંજયભાઈ પણ વિશેષ હાજરી આપી હતી. તેમણે શાળામાં અંબુજા ફાઉન્ડેશનના સહયોગથી વિકસાવવામાં આવેલા ’ઇકો પાર્ક’ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ ઇકો પાર્કમાં આશરે 150 જેટલા ઔષધીય અને પર્યાવરણને સમૃદ્ધ બનાવતા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, જે જૈવવિવિધતાના સંવર્ધન અને હરિયાળી વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ