જજ સામે સ્ટાફ, વક્ીલ, પોલીસ તંત્ર પ્રત્યેના વલણ અંગે લાંબા સમયથી અસંતોષ હતો
વડીયા ખાતે વર્ષ 2022 દરમિયાન પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર મહેશકુમાર જોષી સામે થયેલી વિભાગીય તપાસના અંતે રાજ્ય સરકારે તેમને તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી બરતરફ (ઉશતળશતત) કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, વડીયામાં ફરજ દરમિયાન તત્કાલીન જજનું સ્ટાફ, વકીલો તથા પોલીસ તંત્ર પ્રત્યેનું વર્તન અને વલણ અંગે સ્થાનિક વકીલોમાં લાંબા સમયથી અસંતોષ હતો. આ બાબતે વડીયા બાર એસોસિએશન દ્વારા જિલ્લા અદાલત તેમજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પરિસ્થિતિમાં સુધારો ન થતા તા. 30/07/2022ના રોજ કોર્ટમાં થયેલી એક ઘટનાના અનુસંધાને વડીયાના વકીલોએ કોર્ટ કાર્યવાહીમાં અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો હતો. આ મુદ્દે અમરેલી જિલ્લા બાર એસોસિએશન સહિત અન્ય જિલ્લાના વકીલ મંડળોએ પણ વડીયા બાર એસોસિએશનને સમર્થન આપ્યું હતું.
ત્યારબાદ તત્કાલીન જજશ્રીની વડીયાથી બદલી કરીને જુનાગઢ ખાતે મુકવામાં આવ્યા હતા અને તેમની સામે વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસનો અહેવાલ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તપાસમાં ગંભીર બાબતો સામે આવતા અને તેઓ કસુરવાર ઠરતા કાનૂની વિભાગ, ગાંધીનગર દ્વારા તા. 06/06/2026ના રોજ ગુજરાત સિવિલ સર્વિસ (શિસ્ત અને અપીલ) નિયમો, 1971ના નિયમ 6(8) હેઠળ તેમને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ નિર્ણય અંગે વડીયા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એડવોકેટ એન. બી. રાઠોડે જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં દેર થઈ શકે પરંતુ અંધેર નથી.
વડીયા બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ ભીખુભાઇ વોરાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય સત્ય અને ન્યાયના વિજયનું પ્રતિક છે.
વકીલ મંડળના સભ્યોમાં આ નિર્ણયને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે.
