પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મળશે શુધ્ધ અને ઠંડુ પીવાનું પાણી
વેરાવળ સિટી પોલીસ લાઇન ખાતે 10 લાખના ખર્ચે આધુનિક છઘ મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના હસ્તે આ પ્લાન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
પોલીસ લાઇન વિસ્તારમાં રહેતા પરિવારોને અત્યાર સુધી પીવાના પાણીની ગુણવત્તા અંગે પડકારોનો સામનો કરવો પડતો હતો. આ નવો પ્લાન્ટ પ્રતિ કલાક આશરે 1,000 લિટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે.
હાલમાં પોલીસ લાઇન વિસ્તારમાં મળતા પાણીમાં આશરે 1,120 ઝઉજ (ટોટલ ડિઝોલ્ડ સોલિડ્સ) નોંધાયું છે, જે પીવા માટે વધુ ગણાય છે. નવા છઘ પ્લાન્ટ દ્વારા આ ઝઉજ ઘટાડીને આશરે 120 સુધી લાવવામાં આવશે, જે આરોગ્ય માટે અનુકૂળ અને પીવાલાયક સ્તર છે.
છઘ પ્લાન્ટ સાથે 5 ટનની ક્ષમતાવાળો આધુનિક ચિલર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ચિલર પ્લાન્ટ પ્રતિ કલાક આશરે 900 લિટર પાણી 13 ડિગ્રી તાપમાન સુધી ઠંડુ કરી શકશે, જે ઉનાળાની ગરમીમાં પોલીસ પરિવારો માટે ખૂબ ઉપયોગી થશે.
વેરાવળ પોલીસ લાઇન ના 200 થી વધુ પોલીસ પરિવારો ઉપરાંત, જિલ્લાની વિવિધ પોલીસ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ સુવિધાનો સીધો લાભ મળશે. આ સુવિધા પોલીસ વેલ્ફેર ફંડ અંતર્ગત ઊભી કરવામાં આવી છે.
આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓના આરોગ્ય અને કલ્યાણ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સમયની માંગ છે. ગીર સોમનાથ પોલીસ પરિવારોને ગુણવત્તાયુક્ત જીવન મળે તે માટે સતત પ્રયાસશીલ છે અને ભવિષ્યમાં પણ કલ્યાણ લક્ષી યોજનાઓને પ્રાથમિકતા અપાશે. આ કાર્યક્રમમાં ડીવાયએસપી ભાસ્કર વ્યાસ, મહાદેવ ચૌધરી, ખટાણા સહિત જિલ્લાના વિવિધ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
