અમારે કોઇ સહાય નથી જોઇતી, દુર્ઘટનાનું સાચું કારણ બતાવો….
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અમરેલીના 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા: વડીયામાં પત્નીની અંતિમ વિધિ માટે આવેલો યુવાન પણ કાળનો કોળીયો બન્યો હતો
આજથી બરાબર એક વર્ષ પહેલા ગત 12 જૂન 25 ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ અઈં-171 (બોઇંગ 787 ડ્રીમલાઈનર) ટેક ઓફ બાદ થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર તૂટી પડી હતી. આ વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા, જ્યારે એક મુસાફર જીવિત બચ્યો હતો. જમીન પર પણ અનેક લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 260થી વધુ પહોંચ્યો હતો. આ દુર્ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે. આ ઘટનામાં અમરેલી જિલ્લાના 6 જેટલા લોકોના પણ મૃત્યુ નિપજયા હતા.
આજથી બરાબર એક વર્ષ પહેલા થયેલી અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીમાં રહેતા એક પડસાલા પરિવારની ખુશી છીનવી લીધી હતી. આ દુર્ઘટનામાં પડસાલા પરિવારને લાડલી દીકરી રિધ્ધિનું મૃત્યુ થયું હતું. એ દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ તેની મૃતક રિધ્ધિની માતાની આંખના આંસુ સુકાતા નથી. અને તેઓ રડતા ચહેરે કહે છે. સરકાર બ્લેકબોક્સનો ડેટા જાહેર કરી એ જણાવે કે આ વિમાન દુર્ઘટના કઈ રીતે થઈ? અમારે કોઈ સહાય જોઈતી નથી. પરંતુ દુર્ઘટનાનું સાચું કારણ જોઈએ છીએ અને આવું ફરીવાર કોઈ બીજા સાથે ન બને તેવું ઈચ્છીએ છીએ.
મૃતકની માતા ગીતાબેન પડસાલા એ દિવસે પોતાની પુત્રીને લંડન રવાના કરવા માટે પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા. દીકરી રિધ્ધિ એરપોર્ટમાં ગયા બાદ પરિવાર પોતાની કાર લઇ પરત આવવા નીકળ્યો હતો. પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થયા બાદ પરિવાર રસ્તામાં હતો ત્યાં જ દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા.
ત્યારે જાણે માથે આસમાન તૂટી પડ્યું હતું. પાંચ દિવસની લાંબી રાહ બાદ ડીએનએ ટેસ્ટ પછી તેને પુત્રીનો મૃતદેહનો કબજો મળ્યો હતો. આ મૃતદેહને અમરેલી લાવી સમાજના લોકોની ઉપસ્થિતિમાં તેની અંતિમ વિધિ કરાઈ હતી.
માતા ગીતાબેન આ દર્દને એક વર્ષે પણ હજુ ભૂલી શક્યા નથી. તેઓ કહે છે પુત્રીના મોત બાદ મળતી તમામ સહાય જમાઈને મળી હતી. તેમણે સહાયના નાણાંથી જ છ મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા છે. તેમણે પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. અમારું તો બધું જ લૂંટાઈ ગયું છે. મારી દીકરી અમારા ઘરની રોનક હતી જે અમારાથી છીનવાઈ ગઈ છે.
મૃતક રિદ્ધિ પડસાલાએ મૂળ રાજકોટના યુવાન સાથે લગ્ન કર્યા હતા. જે યુવાન લંડનમાં સ્થાયી થયો હતો. ગત મેં મહિનામાં તે પરિવારને મળવા આવી હતી અને 12 જૂનના રોજ પરત લંડન જવા નીકળી હતી. પરંતુ દુર્ઘટનામાં મોત થયું હતું. ગીતાબેન પડસાલા કહે છે કે, એરપોર્ટ પર સામાન ચેક કરીને પુત્રી અંદર ગઈ ત્યારે કહ્યું હતું તમે બધા આખી રાત જાગ્યા છો ઘરે જઈને સૂઈ જાઓ. હું પણ પ્લેનમાં સૂઈ જઈશ અને લંડન પહોંચીને તમને ફોન કરીશ. જો કે પુત્રીનો ફોન આવવાને બદલે તેના અકસ્માતનો ફોન આવ્યો હતો.
પ્લેન ક્રેશ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં રિદ્ધિ પડશાલા ઉપરાંત અમરેલીના એક દંપતી સહિત જિલ્લાના 6 લોકોના પણ મોત થયા હતા. વડીયામાં પત્નીની અંતિમ વિધિ માટે આવેલો યુવાન લંડન પરત ફરતો હતો ત્યારે તે પણ કાળનો કોળિયો બની ગયો હતો.
માતા ગીતાબેન જણાવે છે કે, અમે જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ચારે તરફ રાડારાડ હતી. અમને હતું કે ઈજા થઈ હશે, પરંતુ ખબર પડી કે કોઈ બચ્યું નથી. કોઈના મૃતદેહ પણ ઓળખાય તેમ ન હતા. ડીએનએ ટેસ્ટ બાદ પાંચ દિવસે અમને મૃતદેહ સોપાયો હતો.
