શું યોગી આદીત્યનાથને ત્રીજી ટર્મ નહી મળે: પક્ષમાં ચર્ચા શરૂ
રાજયમાં સાથી પક્ષો સાથે બેઠક વહેચણી અંગે દિલ્હી નેતૃત્વ સાથે ચર્ચા કરવા પહોંચતા પ્રદેશ પ્રમુખ
એક તરફ પાંચ રાજયોના ચુંટણી પરિણામો જાહેર થયા બાદ હવે ભાજપ આગામી વર્ષે યોજાનારી ઉતરપ્રદેશ સહિતની ધારાસભા ચુંટણીઓ માટેની તૈયારીઓ શરુ કરી છે અને તે સમયે રાજય પક્ષના પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ એક સૂચક વિધાન કરતા કહ્યું કે સંગઠન જ ચુંટણી લડે છે અને ચુંટણી બાદના નિર્ણયોમાં સરકાર કેવી રીતે બનશે તે સંગઠન જ નિર્ણય કરે છે.
તેઓએ એ પણ કહ્યું કે ઉમેદવારી અંગેના નિર્ણયો પણ સંગઠન કરશે અને સરકારમાં કોની ભૂમિકા શું હશે તે પણ સંગઠન નકકી કરે છે. આમ તેઓએ આગામી ચુંટણી બાદ આડકતરી રીતે ઉતરપ્રદેશમાં ભાજપ નેતૃત્વ પરિવર્તન કરી શકે છે તેવા સંકેત આપ્યા છે.
શ્રી પંકજ ચૌધરી અને પક્ષના વરિષ્ઠ નેતાઓ આજે દિલ્હી પહોંચી રહ્યા છે અને તેઓ ખાસ કરીને ઉતરપ્રદેશમાં ભાજપના જે સાથી પક્ષો છે તેની સાથે બેઠક સમજુતી અંગે મોવડીમંડળ સાથે ચર્ચા કરશે. આમ ભાજપે ચુંટણી તૈયારીનો પ્રથમ તબકકો શરુ કર્યો છે. તેઓએ જણાવ્યું કે ઉતરપ્રદેશમાં પક્ષના કાર્યકર્તાઓના અભિપ્રાય અને પક્ષ દ્વારા જે આંતરિક સર્વે કરાયો છે તેના આધારે ઉમેદવારનો નિર્ણય કરવામાં આવશે. આમ ઉતરપ્રદેશમાં ચુંટણીના ઢોલ વાગવાનું શરુ થઈ ગયું છે.
