ભરાણાના યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
રાણ ગામના આશાસ્પદ યુવાનને રણજીતપર ગામે વીજશોક લાગતા યુવાનનું સારવારમાં મોત નીપજયું છે. જયારે ભરાણા ગામના યુવાને ફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા ભાવેશભાઈ સવજીભાઈ ડાભી નામના 22 વર્ષના દલવાડી યુવાન ગત તા. 24 ના રોજ નજીકના રણજીતપર ગામે આવેલા પવનચક્કીના ચોક્કસ લોકેશન નંબર પર ટ્રાન્સમિશનમાં તેમના ડાબા હાથમાં જોરદાર વીજ કરંટ લાગતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા સવજીભાઈ લાલાભાઈ ડાભીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
હૃદયરોગનો હુમલો
પંજાબ રાજ્યના હોશિયારપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા નજીકની આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા જશવીરસિંઘ ચુનીલાલસિંઘ નામના 49 વર્ષના યુવાનને તેમના કામના સ્થળે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપાડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું હાર્ટએટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ અંગેની જાણ જીતસિંહ શેરસિંઘએ અહીંની પોલીસને કરી છે.
ગળાફાંસો ખાઈ મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ ભરતસિંહ જાડેજા નામના 37 વર્ષના યુવાનને દારૂ પીવાની ટેવ હોય અને છેલ્લા આશરે અઢી મહિનાથી તેણે દારૂ પીવાનું મૂકી દીધું હતું. જેના કારણે તેમને શરીરમાં નબળાઈ રહેતી હોય, અને તેઓ કંઈ કામ કરી શકતા ન હતા. આ પરિસ્થિતિમાં તેમને સતત મરવાના વિચારો આવતા હોય, જે વચ્ચે તેમણે શનિવારે બપોરના સમયે પોતાના ઘરે છતના હુકમાં પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નિલેશસિંહ ભરતસિંહ જાડેજાએ વાડીનાર મરીન પોલીસને કરી છે.
વાહનની ઠોકરે ગાયનું કરૂણ મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ભરતભાઈ લાખાભાઈ બાબરીયાની માલિકીની રૂ. 25,000 ની કિંમતની એક ગાયને દ્વારકા – પોરબંદર નેશનલ હાઈવે પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 05 આર.એ. 9842 નંબરના એક ફોર વ્હિલરના ચાલકે ઠોકરે લેતા ચાલીને જતી આ ગાયનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ભરતભાઈ બાબરીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ફોર વ્હિલર વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
