5 મિનિટમાં બનાવો મુંબઈ સ્ટાઈલ ‘ચીઝ મસાલા પાવ’, આ શેફ ટિપ્સથી સ્વાદ બનશે બમણો

જો તમે પાવભાજી, વડાપાવ કે મિસળ પાવ ખાઈને કંટાળી ગયા હોવ અને કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ‘ચીઝ મસાલા પાવ’ બેસ્ટ ઓપ્શન છે. ચટાકેદાર મસાલેદાર ભાજી અને ચીઝનું ક્રીમી કોમ્બિનેશન આ વાનગીને સુપર ટેસ્ટી બનાવે છે. બાળકોથી લઈને મોટા દરેકને ભાવે તેવી આ ક્વિક રેસીપી માત્ર ૫ જ મિનિટમાં કેવી રીતે તૈયાર કરવી, ચાલો જાણીએ.

જરૂરી સામગ્રી:

  • પાવ અને ચીઝ: જરૂર મુજબ (મોઝેરેલા અથવા પ્રોસેસ્ડ ચીઝ)
  • વઘાર માટે: ૨ ચમચી બટર (માખણ), ૧ ચમચી તેલ
  • શાકભાજી: ૧ બારીક સમારેલી ડુંગળી, ૧ કેપ્સિકમ (શિમલા મરચું), ૨ ટામેટાં
  • મસાલા અને પેસ્ટ: ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ, ૨-૩ લીલા મરચાં, ૧/૨ ચમચી કસૂરી મેથી, ૨-૩ ચમચી પાવભાજી મસાલો, ૧ ચમચી લાલ મરચું, ધાણાજીરું અને હળદર પાવડર
  • ચટણી અને સોસ: ૨ ચમચી શેઝવાન સોસ
  • ગાર્નિશિંગ માટે: ૧ ચમચી લીંબુનો રસ, તાજી કોથમીર અને સ્વાદાનુસાર મીઠું

બનાવવાની સરળ રીત:

સ્ટેપ ૧: મસાલેદાર ગ્રેવી તૈયાર કરો

સૌ પ્રથમ એક પેન અથવા તવા પર બટર અને તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ ૨: શાકભાજી અને મસાલા ઉમેરો

હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ અને કસૂરી મેથી ઉમેરી થોડી વાર ચડવા દો. ત્યારબાદ ટામેટાં, હળદર, લાલ મરચું, ધાણાજીરું, પાવભાજી મસાલો, શેઝવાન સોસ અને મીઠું ઉમેરીને બરાબર હલાવો. ટામેટાં એકદમ ગળી જાય અને મસાલામાંથી તેલ-બટર છૂટું પડે એટલે ગેસ ધીમો કરી નાખો. થોડું પાણી ઉમેરી ગ્રેવી જેવું ટેક્સચર લાવો.

સ્ટેપ ૩: પાવને શેકીને સ્ટફિંગ કરો

પાવને વચ્ચેથી કાપી લો (ધ્યાન રાખવું કે તે પાછળથી જોડાયેલો રહે). તવા પર થોડું બટર લગાવી પાવને બંને બાજુથી હલકો શેકી લો. હવે તૈયાર કરેલો ગરમ મસાલો પાવની અંદર સરસ રીતે ફેલાવી દો અને ઉપરથી ભરપૂર પ્રમાણમાં ચીઝ ઉમેરો.

સ્ટેપ ૪: ચીઝ મેલ્ટ કરો અને સર્વ કરો

પાવને બંધ કરી ઉપરથી પણ થોડું બટર અને કોથમીર લગાવીને શેકો, જેથી ચીઝ અંદર સરસ રીતે ઓગળી જાય. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી, ઉપરથી લીંબુનો રસ અને કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

શેફ સ્પેશિયલ ટિપ: મસાલા પાવને વધુ ટેસ્ટી બનાવવા માટે ગ્રેવી બનાવતી વખતે જ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરો અને પાવ શેકતી વખતે બટરની સાથે ચપટી પાવભાજી મસાલો તવા પર છાંટો. આનાથી સ્ટ્રીટ સ્ટાઈલ લુક અને સ્વાદ મળશે!

રિલેટેડ ન્યૂઝ