જો વ્યાજ જમા થઇ જાય તો ખેડુતોનું આર્થિક સંકટ હળવું બને: સરપંચ
અમરેલી જિલ્લામાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ અને વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક રાહત મળે તે માટે લાઠી તાલુકાના શાખપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણે અમરેલીના સાંસદ ભરત સુતરીયાને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સરપંચે રજૂઆતમાં જણાવ્યું છે કે ખેડૂતોને પાક ધિરાણ પર કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. વર્ષ 2024 -25 દરમિયાન ખેડૂતો દ્વારા પાક ધિરાણનું ભરાયેલું વ્યાજ સરકારની સહાયરૂપે વહેલી તકે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે, જેથી ખેડૂતોને હાલની કપરા સમયમાં આર્થિક ટેકો મળી શકે. પત્રમાં વધુમાં એમ પણ જણાવાયું છે કે, જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતોને ખેતી માટે ખાતર, બિયારણ, ડીઝલ, દવા સહિતના ખર્ચ માટે નાણાંની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. જો પાક ધિરાણની વ્યાજ સહાય ઝડપથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તો ખેડૂતોને ખેતીના આગામી તબક્કામાં જરૂરી ખર્ચ ઉઠાવવામાં મોટી રાહત મળી શકે. સરપંચ જશુભાઈ ખુમાણે સાંસદ ભરત સુતરીયાને કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને વ્યાજ સહાયની રકમ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરાવવાની જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. વધુમાં ખેડૂતોમાં પણ એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે કે, ચોમાસાની અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર વ્યાજ સહાયની રકમ વહેલી તકે જમા કરાવશે, જેથી ખેતીના કામોમાં આર્થિક સંકટ કંઈક અંશે હળવું બની શકે.
