બંધ કરેલ પેસેન્જર ટ્રેનો 8 દિવસમાં શરૂ કરવાની માંગ સાથે અપાયું આવેદન
ગીરના પાટનગર તાલાલા શહેરના જંકશન રેલવે સ્ટેશનમાંથી પસાર થતી ચલાલા-વેરાવળ,જૂનાગઢ-દેલવાડા વિગેરે મીટરગેજ ટ્રેનો કોઈપણ કારણ વગર બંધ કરી તાલાલા,વિસાવદર,ઉના,કોડીનાર,ગીર ગઢડા,વેરાવળ સહિત ત્રણ જિલ્લાના અગણિત ગરીબ અને પછાત મુસાફર જનતાની સુવિધા ઝુંટવી લેવાના રેલ્વે બાબુઓના મનસ્વી નિર્ણય સામે તાલાલા વિસ્તારમાં ભારે લોકરોષ ભભુકી ઉઠ્યો છે.
જુનાગઢ,અમરેલી,ગીર સોમનાથ ત્રણ જિલ્લાની જીવાદોરી સમાન મીટર ગેજ ટ્રેનો આઠ દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો તાલાલા રેલવે સ્ટેશને પ્રતીક ઉપવાસ સાથે લોક લડતના મંડાણ કરવાની ચિમકી સાથે તાલાલા તાલુકા સર્વપક્ષીય અગ્રણીઓએ રેલવે સત્તાવાળાને આવેદનપત્ર આપતા રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
તાલાલા રેલવે સ્ટેશન અધિકારી મારફત ભાવનગર ડિવિઝનને મોકલેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ત્રણ જિલ્લાના દશ તાલુકા માંથી પસાર થતી મીટર ગેજ પેસેન્જર ટ્રેન આઝાદી મળી તે પહેલાથી દોડે છે.તાલાલા વિસ્તાર આઝાદીનાં મીઠા ફળના સ્વાદથી વંચિત હોય તેમ આઝાદીના 75 વર્ષ પછી રેલ્વે સવલતમાં વધારો થયો નથી પરંતુ જે બાબા ગાડી સમાન મીટર ગેજ ટ્રેનો ગરીબ અને પછાત પરિવારોને પરિવહન સેવા પુરી પાડે છે તે બંધ કરવી પ્રજા વિરોધી નિર્ણય હોય…આ નિર્ણયની પુન: વિચારણા કરી બંધ કરેલ પેસેન્જર ટ્રેનો પુન: શરૂ કરવા માંગણી કરી છે.આઠ દિવસમાં બંધ કરેલ ટ્રેનો શરૂ કરવામાં નહીં આવે તો તાલાલા રેલવે સ્ટેશનમાં પ્રતિક ઉપવાસ સાથે લોક લડતના મંડાણ કરવામાં આવશે તેવી ચિમકી આવેદનપત્રમાં આપવામાં આવી છે.આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ભાજપ,કોંગ્રેસના અગ્રણીઓ,તાલાલા હિતરક્ષક સમિતિ તથા વેપારી મંડળના અગ્રણીઓ,રેલવે સલાહકાર બોર્ડના સભ્યો વિગેરે જોડાયા હતાં.
