સોનાના ભાવમાં 18 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો

સોના-ચાંદીના ભાવો કેટલાક વખતથી સતત ગગડી રહ્યા છે ત્યારે ચાલુ મહિનામાં છેલ્લા 18 વર્ષનો સૌથી મોટો કડાકો સર્જાયો છે. ઓકટોબર-2008 પછીનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. સોનાનો ભાવ ટોચના લેવલથી ર6 ટકા (રૂા.પ0600) ઘટી ગયા છે. આજે વધુ 11પ0નો ઘટાડો નોંધાયો હતો.
રાજકોટમાં આજે હાજર સોનુ 11પ0 ઘટીને 14પ800 હતું. કોમોડીટીમાં 1,4ર,3રપ હતું. હાજર ચાંદી ર31100 હતી જયારે વાયદામાં રર31પ0 હતી.
છેલ્લાં કેટલાક મહિનાઓથી સોનાની ચમક સતત ઝાંખી પડી રહી છે, જેને કારણે રોકાણકારો સામે એક મોટો સવાલ ઊભો થયો છે કે શું ભાવમાં આવેલો આ ઘટાડો ખરીદી કરવાની સુવર્ણ તક છે? મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આ વર્ષની શરૂઆતમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,92,991 ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યા બાદ, હવે તે ઘટીને આશરે રૂ. 1,42,413 ની આસપાસ આવી ગયો છે. આમ, સોનાનાં ભાવમાં તેના સર્વોચ્ચ સ્તરથી રૂ. 50,600 આશરે 26 ટકાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. આ આંતરરાષ્ટ્રીય ઘટાડો ઓક્ટોબર 2008 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો માનવામાં આવે છે. સોનાનાં ભાવમાં આ સતત ઘટાડા પાછળ વૈશ્વિક બજારનાં કેટલાક મુખ્ય પરિબળો જવાબદાર છે. અમેરિકામાં વ્યાજદરો ઉંચા રહેવાની આશંકા અને મજબૂત થઈ રહેલાં ડોલરના કારણે રોકાણકારો સોના જેવા સુરક્ષિત ગણાતા રોકાણથી દૂર થઈ રહ્યાં છે. સામાન્ય રીતે મોંઘવારી અને અનિશ્ચિતતાના સમયમાં સોનાનાં ભાવ વધે છે, પરંતુ જ્યારે વ્યાજદરો વધે છે ત્યારે સોનાનું આકર્ષણ ઓછું થઈ જાય છે; કારણ કે બોન્ડ કે ફિક્સ ડિપોઝિટની જેમ સોનામાંથી કોઈ નિયમિત આવક (વ્યાજ) મળતી નથી. બજારના નિષ્ણાતો અને ઓગમોન્ટના રિસર્ચ હેડ ડો. રેનિશા ચૈનાનીના જણાવ્યાં અનુસાર, જાન્યુઆરી 2026 ના તેના પીક લેવલથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું આશરે 30 ટકા તૂટ્યું છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનાં વિવાદને કારણે સોનાની માંગ થોડી વધી હતી, પરંતુ ક્રૂડ ઓઈલના વધતાં ભાવ અને મોંઘવારીના કારણે યુએસ ફેડરલ રિઝર્વ ફરી વ્યાજદર વધારી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. હવે આ અઠવાડિયે જાહેર થનારા અમેરિકાનાં રોજગાર અને મેન્યુફેક્ચરિંગના આંકડા સોનાની આગામી ચાલ નક્કી કરશે. ભાવમાં આટલો મોટો ઘટાડો આવ્યાં બાદ સોનામાં રોકાણ કરવું કે નહીં તે અંગે નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોએ ઉતાવળમાં એકસાથે બધી મૂડી રોકી દેવી જોઈએ નહીં. અત્યારે સોનું ખરીદવા માટે ચોક્કસપણે સસ્તું થયું છે, પરંતુ બજારનાં બોટમની રાહ જોવાને બદલે ગોલ્ડ ઇટીએફ અથવા ડિજિટલ ગોલ્ડમાં દર મહિને એસઆઈપીના માધ્યમથી ટુકડે-ટુકડે રોકાણ કરવું વધુ હિતાવહ રહેશે, જેથી બજારની અસ્થિરતા સામે રક્ષણ મળી શકે.

રિલેટેડ ન્યૂઝ