જામનગરમાં જીએસટી કૌભાંડમાં બ્રાસપાર્ટસની પાંચ પેઢીની કરોડોની મિલકતો જપ્ત

કૌભાંડનાં તારો ભાવનગર, જસદણ સુધી લંબાયા; મુખ્ય સુત્રધાર ભૂગર્ભમાં

જામનગરમાં જીએસટી કરચોરી અને બોગસ બિલિંગના એક સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ઓપરેશન હાથ ધરીને 20 થી વધુ સ્થળો એ એકસાથે દરોડા પાડ્યા છે. આ કડક કાર્યવાહી અંતર્ગત બ્રાસપાર્ટસની 5 જેટલી પેઢીઓના સંચાલકોની કરોડો રૂપિયાની સંપત્તિ, જેમાં કારખાના, ઇન્ડસ્ટ્રીયલ શેડ, વાડી અને મકાનોનો સમાવેશ થાય છે, તેને ટાંચમાં લઈ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જેમાં ’દેવ ઈમ્પેક્ષ’ના પ્રફુલ સંઘાણી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે, જ્યારે ’રિધમ મેટલ’ના રાહુલ નાગજી વસોયા નો ઔદ્યોગિક શેડ અને ’એન્જલ એન્ટરપ્રાઈઝ’ના સુરેશ વસોયા ની વાડી તેમજ મકાન જપ્ત કરાયા છે. આ ઉપરાંત, ’શ્રી રામ મેટલ’ના હાર્દિક ઓધવજી ગઢીયા ની દરેડ શિવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે આવેલી અંદાજે 1 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે, જ્યારે ’ખોડલ એન્ટરપ્રાઈઝ’ના મયંક જેંતીલાલ ગઢીયાની મિલકતો અંગે પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખુંય કૌભાંડ ભાવનગર અને જસદણના અમુક ઈસમો દ્વારા જામનગરમાં બોગસ પેઢીઓ ઊભી કરીને આચરવામાં આવતું હતું. બહારગામથી આવેલા આ તત્વોએ જામનગરના કેટલાક સ્થાનિક વેપારીઓ અને સગા-સંબંધીઓની મિલીભગતથી ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈ.ટી.સી.) મેળવીને નાણાંની મોટી લેતી-દેતી કરી સરકારને કરોડોનો ચૂનો લગાવ્યો છે. જીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સુરેશ વસોયા અને હાર્દિક ઓધવજી ગઢીયા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેને પગલે સમગ્ર વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ કરચોરીના નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવા માટે જીએસટી વિભાગ દ્વારા ભાવનગર પોલીસ સહિતના પોલીસ તંત્રની વિશેષ મદદ લેવામાં આવી રહી છે અને સ્થાનિક મદદગારોની પણ સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ