અમેરિકા-ઇરાન વચ્ચે કતારમાં બેઠક : અણુ મુદ્દો એજન્ડામાં નહીં

કતારની રાજધાની દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી મહત્વની વાતચીત બાદ બંને પક્ષોએ આગામી બેઠક યોજવા પર સહમતી દર્શાવી છે. કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વાતચીતમાં ઘણા મુદ્દાઓ પર સકારાત્મક પ્રગતિ થઈ છે. જોકે, હજુ ઘણા મોટા મુદ્દાઓ પર સહમતી બનવાની બાકી છે, પરંતુ બંને દેશોએ વાતચીત આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે આગામી બેઠક ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની અંતિમવિધિ બાદ બોલાવવામાં આવશે.
બેઠકમાં અણુ મામલે કોઇ વાતચીત થઇ ન હતી.
કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે દોહામાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ સાથે અલગ-અલગ બેઠકો થઈ હતી. આ બેઠકોમાં કતાર અને પાકિસ્તાને મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી, કારણ કે આ વખતે બંને દેશોના પ્રતિનિધિઓ આમને-સામને બેઠા નહોતા. આ વાતચીત બે દિવસ સુધી ચાલી હતી, જેમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે ટેકનિકલ નિષ્ણાતો પણ સામેલ હતા.
ઈરાને આ રાઉન્ડની વાતચીતને મહત્વની ગણાવી છે. ઈરાન તરફથી વાતચીતમાં સામેલ ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ દાવો કર્યો કે ઘણા મુદ્દાઓ પર પ્રગતિ થઈ છે. તેમના મતે, ઈરાનની આશરે 6 અબજ ડોલરની ફ્રીઝ થયેલી સંપત્તિમાંથી કેટલોક હિસ્સો મુક્ત કરવા પર સહમતી બની છે.
ગરીબાબાદીએ એવો પણ દાવો કર્યો હતો કે કરારના પાલન દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદ કે ગેરસમજથી બચવા માટે બંને દેશો વચ્ચે એક કોમ્યુનિકેશન ચેનલ બનાવવામાં આવશે. આના માધ્યમથી જો કોઈ પક્ષને કરારના ઉલ્લંઘનની ફરિયાદ હશે, તો તેના પર સીધી વાતચીત કરી શકાશે.
વાતચીત શરૂ થતા પહેલા અમેરિકી દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની અને અમીર તમીમ બિન હમદ અલ થાની સાથે મુલાકાત કરી હતી. જોકે, બંને ટેકનિકલ વાર્તાનો હિસ્સો બન્યા નહોતા.

રિલેટેડ ન્યૂઝ