મુંબઈમાં 24 કલાકમાં વધુ 4 ઈંચ : હજુ વરસાદી દોર ચાલુ

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા કડક સૂચના

મુંબઈ, પુણે અને થાણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગત 24 કલાક દરમિયાન મુંબઈ અને તેના ઉપનગરોમાં આશરે ચાર ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય જનજીવન ખોરવાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) દ્વારા આગામી દિવસો માટે ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ/ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે રાયગઢ જિલ્લામાં આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઈંખઉ ના ડિરેક્ટર બિક્રમ સિંહે બુધવારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, 2 જુલાઈની સાંજથી જ વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ચોમાસાની આ તીવ્ર પ્રવૃત્તિ ઓછામાં ઓછી 6 જુલાઈની રાત સુધી યથાવત રહેવાની પ્રબળ શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 તારીખની રાત્રે લોકોને અત્યંત સાવધ રહેવા તાકીદ કરી છે અને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. જો કે, રાહતની વાત એ છે કે અગાઉ જ્યાં પાણી ભરાયા હતા તેવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
આગામી બે થી ત્રણ દિવસ સુધી સતત વરસનારા ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાઈ શકે છે. સામાન્ય રીતે ચોમાસામાં ભારે વરસાદ મોડી રાત્રે અથવા વહેલી સવારે વધુ પડતો હોય છે, જ્યારે મોટાભાગના નાગરિકો સૂતા હોય છે. આથી, કોઈ પણ અનિચ્છનીય ઘટનાથી બચવા માટે લોકોને સતત હવામાનની અપડેટ લેતા રહેવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની કડક સલાહ આપવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વ્યાપક અસર જોવા મળે તેવી સંભાવના વચ્ચે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

રિલેટેડ ન્યૂઝ