પાલીતાણાના ગરાજીયા ગામે પશુપાલક પર સિંહનો જીવલેણ હુમલો

ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો, ગ્રામજનોમાં ફફડાટ

ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષની વધુ એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે વનરાજે એક પશુપાલક પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સિંહના આ હુમલામાં પશુપાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભય સાથે તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.
પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો મુજબ, ગરાજીયા ગામના વતની અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા કાળુભાઇ બોઘાભાઈ પરમાર દરરોજની જેમ પોતાના માલઢોર (સીમમાં પશુઓ) ચરાવી રહ્યા હતા. એ દરમિયાન અચાનક સીમ વિસ્તારમાંથી ધસી આવેલા એક સિંહે તેમના પર હિંસક હુમલો કરી દીધો હતો. સિંહે કાળુભાઈને પંજા મારતા અને બચકા ભરતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા. પશુપાલકની બૂમાબૂમ અને આસપાસના લોકોના હોબાળાને કારણે સિંહ ત્યાંથી નાસી છૂટ્યો હતો, જેના કારણે કાળુભાઈનો જીવ બચી ગયો હતો. આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા કાળુભાઇ પરમારને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. તેમની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અણધારી ઘટનાને પગલે ગરાજીયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ અને દહેશતની લાગણી વ્યાપી ગઈ છે. ચોમાસાની સીઝનમાં પશુપાલકો અને ખેડૂતોને સીમમાં જવું અનિવાર્ય હોય છે, ત્યારે સિંહના આવા ખુલ્લેઆમ હુમલાથી લોકો પોતાના ખેતરે જતાં પણ ડરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ