મેટોડાના વાગુદડ રોડ પર ગ્રામ્ય એસઓજીનો દરોડો
દંડનીય કાર્યવાહી કરવા ખાણખનીજ વિભાગને જાણ કરાઈ
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખાણ ખનીજના ધંધા કરતા શખ્સો ઉપર તૂટી પડવાની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે મેટોડાના વાગુદડ રોડ ઉપર દરોડો પાડી રોયલ્ટી વિના ગેરકાયદે રેતી અને કપચીનો સંગ્રહ તેમજ વહન કરતી ઓમ કોન્ક્રીટ નામના એકમ ઉપર દરોડો પાડી પોલીસે 190 ટન કપચી, 100 ટન રેતી અને એક ડમ્પર સહીત 34 લાખનો મુદામાલ કબ્જે કરી દંડનીય કાર્યવાહી અર્થે ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ એ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી જે ઝાલા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે મેટોડામાં વાગુદડ રોડ ઉપર આવેલ ઓમ કોન્ક્રીટ નામની પેઢી દ્વારા રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદે રેતી અને કપચીનો સંગ્રહ તેમજ વહન કરવામાં આવી રહ્યું છે આ બાતમી આધારે એસઓજીની ટીમે દરોડો પાડતા અહીંથી 30 લાખનું એક ડમ્પર તેમજ 190 ટન કપચી અને 100 ટન રેતી મળી આવતા પોલીસે 34 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ દંડનીય કાર્યવાહી કરવા અંગે ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.
