લોઠડાના કારખાનામાં શોર્ટ સર્કિટથી શ્રમિક યુવાનનું થયુ મોત

કંપની સંચાલકોની કામદારોની સુરક્ષા પ્રત્યેની ઘોર બેદરકારીનો આરોપ

રાજકોટ જિલ્લાના લોઠડા ગામમાં આવેલી ઔદ્યોગિક એકમ ’શ્રી ટેકનો કાસ્ટ’માં કામ કરતા એક શ્રમિકનું વીજળીના જોરદાર આંચકાને કારણે મૃત્યુ નિપજતા ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. બિહારના વતની એવા કૃષ્ણ પંડિત નામના શ્રમિકનું કંપનીના ભઠ્ઠી વિભાગમાં કામગીરી દરમિયાન જીવલેણ અકસ્માતનો ભોગ બનતા ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા. આ ઘટના બાદ કંપની સંચાલકોની કામદારોની સુરક્ષા પ્રત્યેની ઘોર બેદરકારીના આક્ષેપો સાથે રોષની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક કૃષ્ણ પંડિત ભઠ્ઠી વિભાગમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા, તે સમયે અચાનક શોર્ટ સર્કિટ થતા તેમને વીજ કરંટ લાગ્યો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસના કામદારો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં અન્ય શ્રમિકો એકઠા થયા હતા. પરિવારજનો અને સહકર્મચારીઓએ કંપનીની સલામતી વ્યવસ્થા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જો કંપનીમાં સુરક્ષાના પ્રાથમિક સાધનો કે આધુનિક સુરક્ષા પ્રણાલી હોત, તો કૃષ્ણ પંડિતનો જીવ બચી શક્યો હોત. કંપનીમાં સેફટીના નિયમોનું પાલન ન થતું હોવાનો આક્ષેપ કરતા રોષે ભરાયેલા પરિવારજનોએ જ્યાં સુધી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે, ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હોસ્પિટલ પરિસરમાં મજૂર સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. લોઠડા જીઆઈડીસી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાના પાયાના પ્રશ્નોને ઉજાગર કર્યા છે. હાલમાં પોલીસ તંત્ર અને મજૂર સંગઠનો વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો ચાલી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર મામલે તપાસ હાથ ધરીને કંપનીમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ, તે અંગે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ