ગૌચર દબાણ મામલે 10 દિવસમાં નિર્ણયની માંગ : છેલ્લા સવા બે વર્ષથી અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં અરજદારે સ્વાગત કાર્યક્રમમાં ઉઠાવ્યો મુદ્દો
ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની ગ્રામ પંચાયત સાથે જોડાયેલા ગૌચર જમીન દબાણના મામલે ફરી એકવાર મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ધોકડવા ગામના એભલભાઈ મથુરભાઈ બાંભણિયા એ રાજ્યના સ્વાગત (ફરિયાદ નિવારણ) કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત અરજી પાઠવી ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા ઇન્ચાર્જ સરપંચ કાંતિભાઈ રાજાભાઈ માળવી અને પંચાયત સભ્ય સવજીભાઈ પુનાભાઈ ચુડાસમા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અરજદારે જણાવ્યું છે કે બંને પદાધિકારીઓએ ગામની ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હોવાના આધાર-પુરાવા સાથે માર્ચ-2024થી જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજ્યના વિવિધ વિભાગોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની જોગવાઈ ઓ મુજબ તેમને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ સંબંધિત આદેશો કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટે અનેક નોટિસો આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી, પરંતુ થોડા સમય બાદ ફરીથી દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવા માં આવ્યો છે.
અરજદારના જણાવ્યા મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં અનેક કારણદર્શક નોટિસો આપવામાં આવી હોવા છતાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે સમગ્ર પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની ગઈ હોવાનો આરોપ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.
અરજદારે મુખ્યમંત્રીને રજૂઆતમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો ગૌચર જમીન પર દબાણના મામલે તમામ પુરાવા અને સરકારી કાર્યવાહી છતાં જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવતા ન હોય તો પારદર્શક વહીવટના દાવા પર સવાલ ઊભા થાય છે.
અંતે અરજદારે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ સંબંધિત બંને પંચાયત પદાધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવા અંગે 10 દિવસની અંદર સ્પષ્ટ અને અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરી છે
