પોલીસે રૂ. 2.48 લાખના 7 લીલા છોડ જપ્ત કર્યા
ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના ભુંડરખા નં. 2 ગામે આવેલા કૈલાસધામ આશ્રમમાં બાતમીના આધારે પોલીસે આશ્રમમાં દરોડો પાડીને ગેરકાયદેસર વાવેતર કરાયેલા ગાંજાના લીલા છોડનો મસમોટો જથ્થો ઝડપી પાડયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલીતાણા તાલુકાના ભુંડરખા નં. 2 ગામે આવેલા કૈલાસધામ આશ્રમની દેખરેખ રાખતા 39 વર્ષીય અરવીંદ ઉર્ફે અરવીંદગીરી ભરતભાઇ ગોહિલ (મૂળ રહે. લાખણકા) એ આશ્રમના વરંડામાં વાસ અને ઝાઝમની આડસ નીચે ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. રેઇડ દરમિયાન એફ.એસ.એલ. અધિકારીઓની હાજરીમાં સ્થળ તપાસ કરતા આશરે છ થી સાત ફૂટ ઊંચા લીલા ગાંજાના 7 છોડ મળી રૂ. 2.48 લાખનો મુદ્દામાલ મળી આવ્યા હતા.પોલીસે અરવીંદ ઉર્ફે અરવીંદગીરી ભરતભાઇ ગોહિલને લીલા ગાંજાના છોડ વજન 9 કિલો 930 ગ્રામ રૂ. 2,48,250 સાથે ઝડપી લઇ પૂછપરછમાં અરવીંદ ઉર્ફે અરવીંદગીરીએ જણાવ્યું હતું કે તે પોતે ગાંજો પીવાની ટેવ ધરાવતો હોવાથી સાધુ-સંતો અને પોતાના ઉપયોગ માટે આ વાવેતર કર્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
