પોલીસની નેત્રમ શાખાની મદદથી વન વિભાગે પડધરીના બોડી ઘોડી ગામેથી દબોચી લીધા
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં મુલાકાતી પ્રવાસીઓ દ્વારા વાઘને પરેશાન કરતા હોવાનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થતા પ્રકૃતિ અને પ્રાણીપ્રેમીઓમાં આ હરકત કરનાર અને વિડીયો ઉતારનાર સામે રોશની લાગણી પ્રવર્તી હતી, બીજી બાજુ સકરબાગ ઝૂ ઓથોરિટી તથા વન વિભાગ દ્વારા વાઘને છંછેડી પરેશાન કરતા શખ્સોની ભાળ મેળવવા વિવિધ રીતે સઘન તપાસ સઘન આદરી આ શરમજનક તથા ધૃણાસ્પદ કૃત્ય કરનારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢના ઐતિહાસિક સકરબાગનો એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડિઓ ભારે ચર્ચામાં આવ્યો હતો, આ વીડિયોમાં અમુક અજાણ્યા લોકો સક્કરબાગ ઝૂમાં વાઘના પાંજરા પાસે રહીને ચૂંદડી જેવું કોઈ વસ્ત્ર પાંજરાની અંદર રહેલા વાઘ ઉપર ફેંકી વાઘને પરેશાન કરતા હોવાનું અને બાદમાં વાઘ દ્વારા એ કપડું ખેંચી લેવાતા “પૈસા વસૂલ” જેવા શબ્દો આ વીડિયોમાં દેખાતા અને સંભળાઈ રહ્યા હતા.
આ ઘટના અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન વિભાગના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, સોમવારે વન વિભાગના ધ્યાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયેલ એક વીડિયો આવ્યો હતો જે વીડિયોમાં સક્કરબાગ ઝૂમાં પાંજરામાં રહેલા વાઘની પજવણી થતી હોવાનું દેખાતું હતું. જે ગંભીર ઘટના સામે આવતા જ વન વિભાગની ટીમ દ્વારા તુરંત ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ હતી, અને વન વિભાગે ઝૂ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા, અને પ્રાથમિક તપાસમાં આ ઘટના ગત તા. 12 જુલાઈના રોજ સક્કરબાગ ઝૂની અંદર બની હોવાનું અને આ વીડિયો ત્યારે ઉતારવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં પોલીસની નેત્રમ શાખાની મદદથી આ ગુન્હાહિત પ્રવૃતિ કરનાર બે તોહમતદારો એવા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડી ઘોડી ગામના 43 વર્ષીય શિરોડીયા દેવાભાઈ નાગજીભાઈ અને 35 વર્ષીય શિરોડીયા બાબુલાલ ભીમાભાઈને ટ્રેક કરી, કાયદાના સિકંજામાં લઈ લીધા હતા. ગુનો દાખલ કરીને આગળની તમામ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
