નેશનલ હાઇવે પર મુસાફરી કરતાં કરોડો વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે. સરકારનાં એક આંતરિક ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશભરમાં આશરે 80 થી વધુ ટોલ પ્લાઝા એવા છે, જેમની રોકાણ કિંમત વસૂલ થઈ ચૂકી છે અથવા તેઓ 60 કિલોમીટરની અંદર ખોટી રીતે વસૂલાત કરી રહ્યાં છે. સરકારે નિયમોને બાજુ પર મૂકીને ચલાવવામાં આવી રહેલાં આવા ટોલ પ્લાઝાને 1 ઓક્ટોબરથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ સહિત દક્ષિણ ભારતનાં ઘણાં ટોલ ઓપરેટર 60 ટકા ટોલ માફીથી બચવા માટે ચાલાકી કરે છે. રાજમાર્ગ પરિયોજનાની મૂડીગત કિંમતની વસૂલાત પૂર્ણ થવા આવી હોય છે ત્યારે તેઓ મંત્રાલયને નવો પ્રસ્તાવ મોકલી દે છે કે સેક્શન પર નવો ફ્લાયઓવર, અંડરપાસ અથવા થોડા કિલોમીટરની વધારાની સર્વિસ લેન બનાવવાની જરૂર છે.
આ પછી નવા નિર્માણના ખર્ચને જૂના ખર્ચ સાથે જોડી દેવામાં આવે છે. આ બહાને તેઓ કાગળ પર એવું દર્શાવે છે કે કુલ મૂડીગત રોકાણ હજુ પૂરું થયું નથી. આ રીતે તેઓ દાયકાઓ સુધી જનતા પાસેથી પૂરેપૂરો 100 ટકા ટોલ વસૂલતા રહે છે. મંત્રાલયનાં આંતરિક ઓડિટ રિપોર્ટમાં આ બાબત પકડાઈ ગઈ છે. બીજી તરફ, 60 કિલોમીટરનાં અંતરનાં નિયમને નેવે મૂકીને સબ-ટોલ ચલાવવામાં આવી રહ્યાં છે. ઓડિટમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર છે અને કોઈપણ કાનૂની મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યાં છે.
