પશ્ર્ચિમ એશિયાનાં તણાવથી સંકટ એટીએમની નવી ક્રાંતિ : હવે મશીનમાં પૈસા જમા પણ થશે અને એ જ પૈસા બીજા ઉપાડી પણ શકશે

નાના શહેરોમાં કેશની તંગી દૂર કરવા સરકારી બેંકો હવે માત્ર પૈસા આપતાં જૂના એટીએમ બદલશે; પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઈન્ડિયા સહિતની બેંકો લાવશે 15,000 નવા મશીનો

ભારતની સરકારી બેંકો પોતાનાં એટીએમ નેટવર્કને વધુ આધુનિક બનાવવા માટે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી આપણે એટીએમનો ઉપયોગ માત્ર પૈસા ઉપાડવા માટે જ કરતાં આવ્યાં છીએ, પરંતુ હવે બેંકો એવા મશીનો લગાવવા જઈ રહી છે જેમાં પૈસા જમા પણ થઈ શકશે અને ઉપાડી પણ શકાશે. ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓમાં વારંવાર એટીએમ ખાલી થઈ જવાની જે સમસ્યા રહે છે, તેને કાયમ માટે દૂર કરવા બેંકો આ પગલું ભરી રહી છે. આ નવા પ્રકારનાં મશીનોની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે કોઈ ગ્રાહક તેમાં પોતાનાં પૈસા જમા કરાવશે, ત્યારે મશીન એ જ પૈસા ગણીને મિનિટોમાં બીજા ગ્રાહકને ઉપાડવા માટે આપી દેશે. આનાથી મોટો ફાયદો એ થશે કે બેંકના કર્મચારીઓએ વારંવાર મશીનમાં રોકડા રૂપિયા ભરવા માટે ધક્કા નહીં ખાવા પડે. મશીનમાં પૈસા ખૂટી જવાની કે ’નો કેશ’નું બોર્ડ વાગવાની સમસ્યા પણ નહિવત થઈ જશે અને બેંકોનો ગાડીઓ ભરીને કેશ મોકલવાનો ખર્ચ પણ બચી જશે.
બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, દેશમાં ખૂબ જ ટૂંક સમયમાં આવા 15,000 થી વધુ અદ્યતન મશીનો લગાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. આમાંથી લગભગ 77 ટકા મશીનો સરકારી બેંકોના હશે. પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ ઈન્ડિયા જેવી મોટી બેંકો પોતાનાં જૂના એટીએમ બદલીને આ ડબલ સુવિધાવાળા મશીનો મૂકવાની તૈયારી કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ