પડતર માંગણી અને સરકારની જાહેરાતનો વિરોધ : 25 મુખ્ય મુદાઓ સાથેનું કલેક્ટરને આવેદન : વહેલી તકે નિરાકરણ કરવા માંગ
મોરબી જિલ્લામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને સરકારના તાજેતરના પરિપત્રને લઈને વાતાવરણ ગરમાયું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત સંગઠનો અને સ્થાનિક આગેવાનોની આગેવાની હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાં કલેક્ટરને 25 મુખ્ય મુદ્દાઓ સાથેનું સવિસ્તાર આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ગત 4 જુલાઈ 2026ના રોજ બહાર પાડવામાં આવેલો નવો પરિપત્ર માત્ર એક ‘લોલીપોપ’ સમાન છે. આ પરિપત્ર ખેડૂતોના કલ્યાણ માટે નહીં, પરંતુ ખાનગી કંપનીઓના હિત અને ફાયદાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. આ બાબતે અંદાજે 365 જેટલા ગામોના ખેડૂતોએ પોતાની પંચાયતોના લેટરપેડ પર આ પરિપત્ર અમાન્ય હોવાનું લેખિતમાં જણાવીને વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ટેલિગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ અન્વયે પસાર થતી ટ્રાન્સમિશન લાઈનોના વળતર માટે આ ઠરાવ જાહેર કરાયો છે. પરંતુ ટેલિગ્રાફ એક્ટની કલમ 10(ઉ) મુજબ ઓછામાં ઓછું નુકશાન અને પૂરેપૂરું નુકશાનીનું વળતર મળવું જોઈએ, જે આ ઠરાવમાં યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યું નથી. ખેડૂતોએ મુખ્યત્વે ખેતરોમાં વીજ ટાવર ઊભા કરવા અને કોરિડોર બનાવવા સામે વિરોધ નોંધાવ્યો છે અને જમીનના વળતર અંગે 2013ના કાયદા મુજબ બજાર કિંમતના ચાર ગણા (400%) વળતર આપવાની માંગ કરી છે સાથે જ ટ્રાન્સમિશન લાઈનનો હેતુ વાણિજ્યિક હોવાથી, ટાવર બેઝ અને કોરીડોરની જમીનની બજાર કિંમતનું 100% સોલેશ્યમ સાથે કુલ બજાર કિંમતને 4 નો ગુણાંક આપી વળતર ચૂકવવામાં આવે. તેમાં ટાવરના પાયા ઉપરાંત ચારે બાજુ 1 મીટરનું વધારાનું વિસ્તરણ ધ્યાને લેવાય. કલેક્ટરના જણાવ્યા મુજબ, ખેડૂતોની માંગણી સ્વીકારીને એક માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતોના પ્રતિનિધિને પણ વિશેષ સ્થાન અપાયું છે. આ ઉપરાંત વળતરના ભાવોમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે, જેમાં 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30% ની જોગવાઈ કરાઈ છે.આ ત્રણેય સભ્યો સાથે મળીને માત્ર ઉકટઈના ભાવો જ નહીં, પરંતુ વાસ્તવિક (એક્ચ્યુઅલ) બજાર ભાવોની ચકાસણી કરશે અને તેનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે, જેના આધારે આખરી વળતર નક્કી થશે.
