માછીમાર મંડળ સાથે પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી
ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરના સર્વાંગી વિકાસ તેમજ તાજેતરના ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે માછીમારોને થયેલા ભારે આર્થિક નુકસાન અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વૈશાલી બેન પ્રકાશભાઈના પ્રતિનિધિ પ્રકાશભાઈ બાંભણિયા, સૈયદ રાજપરા માછીમાર મંડળના આગેવાનો સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ મળ્યા હતા. પ્રતિનિધિમંડળે બંદરની વર્ષોથી પડતર રહેલી સમસ્યાઓ તેમજ નુકસાનગ્રસ્ત માછીમારોને યોગ્ય વળતર ચૂકવવાની રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે સૈયદ રાજપરા બંદર પર અંદાજે 350થી 400 નોંધાયેલ માછીમારી બોટો ઉપરાંત મોટી સંખ્યામાં નાની બોટો અને હોડીઓ કાર્યરત છે. કુલ મળીને 600થી 700 જેટલી બોટો દ્વારા અહીં માછીમારીનો વ્યવસાય થાય છે, છતાં બંદર પર જરૂરી પાયાની સુવિધાઓનો અભાવ છે. જેટી, બોટ પાર્કિંગ, પ્રોટેક્શન વોલ, બંદર સુધીનો પાકો માર્ગ, સ્ટ્રીટ લાઇટ તેમજ પીવાના પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન માછીમારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરિયાના તોફાની મોજાં અને કુદરતી પરિસ્થિતિઓને કારણે દર વર્ષે અનેક બોટોને નુકસાન પહોંચે છે.
ધારાસભ્ય કે.સી. રાઠોડે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ અલગથી રજૂઆત કરી સૈયદ રાજપરા બંદરનો તાત્કાલિક સર્વે કરાવી વિકાસ યોજના હાથ ધરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે આશરે 15 હજારની વસ્તી ધરાવતા આ ગામના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય મત્સ્યોદ્યોગ હોવાથી બંદરનો વિકાસ સ્થાનિક અર્થતંત્ર માટે અત્યંત જરૂરી છે.
બીજી તરફ, તા. 4, 5 અને 6 જુલાઈ દરમિયાન પડેલા ભારે વરસાદ તેમજ રાવળ ડેમમાંથી છોડાયેલા પાણીના જોરદાર પ્રવાહના કારણે સૈયદ રાજપરા સહિત આસપાસના બંદરોમાં લાંગરેલી માછીમારી બોટો દરિયામાં વહી જતાં અને નુકસાન પામતાં માછીમારોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. અનેક બોટો સંપૂર્ણપણે નાશ પામી જ્યારે ઘણી બોટોને ગંભીર નુકસાન થયું હોવાનું પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું.
પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી કે અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરાવી નિયમો અનુસાર માછીમારોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ સૈયદ રાજપરા બંદરના લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી માછીમારોને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.
