ઉનાની મુખ્ય પોસ્ટ ઓફીસમાં અવ્યવસ્થા: પોસ્ટ માસ્તરની લાચારી

કલાકો સુધી લાઈનમાં ઉભા છતાં કામ નહીં, સ્ટાફની અછત અને કર્મચારીઓની મનમાનીથી ગ્રાહકોમાં ભારે રોષ

ઉના શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને મળતી સેવાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. કિશાન વિકાસ પત્ર, ફિક્સ ડિપોઝિટ, નાની બચત યોજનાઓ, વૃદ્ધ પેન્શન, પાસબુક એન્ટ્રી, નાણાકીય લેવડદેવડ અને પાર્સલ સેવા સહિતના કામ માટે આવતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે, તેમ છતાં સમયસર કામગીરી થતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
આક્ષેપો મુજબ, કેટલાક કર્મચારીઓ ગ્રાહકો સાથે તુચ્છતાપૂર્વક વર્તન કરે છે, ફરજ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત રહે છે, કાઉન્ટર છોડીને અન્ય રૂમોમાં જતા રહે છે અને કામગીરી અધૂરી રાખીને સમય પૂર્ણ થયો હોવાનું કહી કાઉન્ટર બંધ કરી દે છે. જેના કારણે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.
ખુદ પોસ્ટમાસ્ટર ધર્મેશ મહેતાએ પણ મીડિયા સમક્ષ સ્ટાફની અછતને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ચાર મહિનાથી ઉચ્ચ કચેરી સમક્ષ વધારાના સ્ટાફની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી યોગ્ય કાર્યવાહી થઈ નથી. જ્યાં 10 ક્લાર્કની જરૂર છે ત્યાં માત્ર ચાર કર્મચારીઓથી કામગીરી ચાલી રહી હોવાથી આશરે 60 ટકા કામગીરી પ્રભાવિત થઈ રહી છે.
આ સમગ્ર મુદ્દે જિલ્લા સુપ્રિટેન્ડન્ટ અને સૌરાષ્ટ્ર ઝોન પોસ્ટ વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

20 કિલોમીટર દૂરથી આવ્યો છતાં નાણાં જમા લીધા નહીં – રઝાકભાઈ સીરાજી

દિવ્યાંગ હોવા છતાં કલાકો સુધી ઊભી રાખી – અનિતાબેન
30 વર્ષથી પોસ્ટ ઓફિસના એજન્ટ તરીકે કાર્યરત દિવ્યાંગ અનિતાબેને જણાવ્યું કે કલાકો સુધી લાઈનમાં ઉભા રાખ્યા બાદ જ તેમની નાની બચત યોજનાના નાણાં સ્વીકારવામાં આવ્યા.ગ્રાહકો અને એજન્ટોએ પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરી પૂરતો સ્ટાફ ફાળવે, ગ્રાહકલક્ષી કામગીરી સુનિશ્ચિત કરે અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

“મને કોઈ કર્મચારી જવાબ દેતા નથી – ધર્મેશ મહેતા, પોસ્ટમાસ્ટર
ઉના પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર ધર્મેશ મહેતાએ જણાવ્યું કે ઓફિસમાં સ્ટાફની ભારે અછત છે. ચાર મહિનાથી ઉચ્ચ કચેરી સમક્ષ રજૂઆત છતાં વધારાનો સ્ટાફ ફાળવવામાં આવ્યો નથી. 10 ક્લાર્કની જગ્યાએ માત્ર ચાર કર્મચારીઓથી કામગીરી ચાલે છે, જેના કારણે 60 ટકા કામગીરી પ્રભાવિત થઈ રહી છે. કેટલાક કર્મચારીઓ પણ યોગ્ય સહકાર આપતા નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

નવ વર્ષમાં આવી મુશ્કેલી ક્યારેય જોઈ નથી – હર્ષદભાઈ જીતુભાઈ
પોસ્ટ ઓફિસના એજન્ટ હર્ષદભાઈએ જણાવ્યું કે નવ વર્ષના કાર્યકાળ દરમિયાન આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. એજન્ટોના કામ સમયસર થતાં નથી, જેના કારણે ગ્રાહકો સામે જવાબ આપવો મુશ્કેલ બની ગયો છે.

સવારે નવ વાગ્યે આવ્યો, છતાં કામ થયું નહીં – જયેશભાઈ બારૈયા
એજન્ટ જયેશભાઈ બારૈયાએ જણાવ્યું કે સવારે નવ વાગ્યાથી પોસ્ટ ઓફિસમાં હાજર હોવા છતાં બપોર સુધી કામ થયું નહીં. કર્મચારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી સમય પસાર કરે છે અને અંતે કાઉન્ટર બંધ કરી દે છે.

ડાયાબિટીસ હોવા છતાં કલાકો સુધી ભૂખ્યો-તરસ્યો ઊભો રહ્યો” – મણિભાઈ
કિશાન વિકાસ પત્રના વેરિફિકેશન માટે આવેલા વૃદ્ધ મણિભાઈએ જણાવ્યું કે તેઓ સવારે 10 વાગ્યાથી બપોર સુધી રાહ જોતા રહ્યા, છતાં તેમનું વેરિફિકેશન થયું નહીં અને બીજા દિવસે આવવા કહેવામાં આવ્યું.

બે કલાક રાહ જોયા પછી પણ પાસબુક એન્ટ્રી ન થઈ : અંકુર માકડીયા
અંકુર માકડીયાએ જણાવ્યું કે પાસબુક એન્ટ્રી અને અન્ય નાણાકીય કામગીરી માટે બે કલાકથી વધુ રાહ જોવી પડી. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક કર્મચારીઓ ગ્રાહકોને હેરાન કરે છે અને સમયસર કામગીરી કરતા નથી.

રિલેટેડ ન્યૂઝ